એસઓજી, એલસીબી સહિત પોલીસની ટિમોએ ટ્રાફિક થતા હોય તેવા અને વધુ ગુન્હા થતા હોય તેવા વિસ્તારમાં સર્ચ ઓપરેશન કર્યું : ડ્રોન વડે અનેક વિસ્તારોનું નિરીક્ષણ પણ કરાયું મોરબી : મોરબીમાં સરાજાહેર છેડતી અને દુષ્કર્મ સહિતની વધી રહેલી ગુન્હાહિત પ્રવૃત્તિઓને કડક હાથે ડામીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે આજે ખુદ જિલ્લા પોલીસ વડા મેદાને આવ્યા હતા અને તેઓએ એસઓજી, એલસીબી સહિતની પોલીસની ટિમો સાથે રાખી ટ્રાફિક થતા હોય એવા અને વધુ ગુન્હા થતા હોય એવા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં આજે વિવિધ 18 વિસ્તારોમાં પોલીસની ટિમો સાથે સઘન કોમ્બિગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કોમ્બિગ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ડે એન્ડ નાઈટ ચાલશે. જેમાં જ્યાં ટ્રાફિક થતો હોય અને પાર્કિગનો પ્રશ્ન હોય તેમજ જ્યાં વધુ ગુન્હા થતા હોય એવા સ્થળોએ કોમ્બિગ કરીને આરોપીઓની પણ ઝડતી લીધી હતી. જેમાં એસપીએ ખુદ પોલીસ સ્ટાફ સાથે નહેરુ ગેઇટ ચોક, કાલિકા પ્લોટ, શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ કર્યું હતું. એસપી સાથે એલસીબી, એસઓજી તેમજ જિલ્લાના તમામ પોલીસ મથકના અધિકારીઓ સહિત 22 ટીમોમાં અંદાજીત 250 જેટલા પોલીસ જોડાયા હતા અને લોકોની સલામતી માટે આ કોમ્બિગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાફિકને લગતા પ્રશ્નો તેમજ તમામ ગુનાહિત પ્રવૃત્તિઓઓને કડક હાથે ડામી દેવામાં આવશે અને શહેરના 9 જેટલા વિસ્તારોમાં ટ્રાફિક ભરચકક રહેતો હોય ત્યાં દબાણો દૂર કરવા તેમજ પાર્કિગના પ્રશ્નો હલ કરવા પોલીસ આજથી કાર્યરત થઈ છે અને ડ્રોન દ્વારા પણ કોમ્બિગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમ એસપી રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું.