મોરબી : મોરબીમાં સમય ગેટ પાસેથી એજન્સીમાંથી સોપારી, ગુટખા, સિગારેટ સહિતની રૂ. ૧.૫૪ લાખની મતાની ચોરી કરવાના પ્રકરણમાં પાંચ આરોપીની ધરપકડ બાદ એ ડિવિઝન પોલીસે છઠ્ઠા આરોપીને પણ સુરતથી ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત વિગતો તા.૩૦/૦૮/૨૦૨૨ ના રોજ રાત્રીના મોરબીમાં શનાળા રોડ ઉપર સમયના ગેઇટ પાસે આવેલ બજરંગ સેલ્સ એજન્સી નામની દુકાનના તાળા રાત્રીના સમયે કોઇ અજાણ્યા ઇસમ તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાંથી પાનબીડી, સીગારેટ, ગુટખા, સોપારી તથા સાબુ, સેમ્પુ વિગેરે મળી કુલ રૂ. ૧,૫૪,૫૦૦/-ના માલમત્તાની ચોરી થયા અંગેની ફરીયાદ અમીતભાઇ મગનભાઇ અંબાણી રહે. મોરબી વાળાએ મોરબી સિટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ કેસમાં અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ થયેલ હોય તે ગુન્હામા રાજદીપસિંહ દિગ્વીજયસિંહ જાડેજા ઉ.વ.૨૮ રહે.ભાવનગર ભરતનગર બસસ્ટેન્ડ નં.૩ સરકારી આવાસ નવા ત્રણ માળીયાવાળો છેલ્લા આઠ માસથી નાસતો ફરતો હોય જેથી મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ના એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા તથા અરજણભાઇ ગરીયાનાઓએ બાતમીના આધારે સુરતના વરાછા ખાતેથી પકડી પાડેલ છે. આ આરોપી વિરુદ્ધ રાજકોટમાં પ્ર.નગર પો.સ્ટે અને કુવાડવા પો.સ્ટેમાં પણ ગુનો નોંધાયેલ છે.