વિદેશથી લાવવામાં આવેલ 20 પૈકી 3ના મોત થતા હવે 17 ચિતા વધ્યા મોરબી : મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં વિદેશથી લાવવામાં આવેલા વધુ એક ચિત્તાનું મોત નિપજ્યું છે. આ ચિત્તાને દક્ષિણ આફ્રિકાથી કૂનો લાવવામાં આવ્યો હતો. ત્રણ મહિનામાં આ ત્રીજા ચિત્તાનું મોત છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચિત્તાનું મોત કૂનો નેશનલ પાર્કના મોટા વાડામાં અંદરોદરની લડાઈને કારણ થયું છે. આ પહેલા બે ચિત્તાના મોત નિપજ્યા હતા, જેમાંથી એક ચિત્તાનું મોત કિડની ઈન્ફેક્શનને કારણે થયું હતું જ્યારે બીજા ચિત્તાનું મોત કાર્ડિયક અરેસ્ટને કારણે થયું હતું. જાગરણ ગુજરાતીના અહેવાલ મુજબ આ પહેલા એપ્રિલમાં આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તા ઉદયનું મોત થયું હતું. કૂનોમાં છેલ્લા ત્રણ મહિનામાં આ ત્રીજા ચિત્તાનું મોત છે. પહેલું મોત નામીબિયાથી લાવવામાં આવેલી માદા ચિત્તા સાશાનું મોત થયું છે. આ બંનેના મોતનું કારણ બીમારી હોવાનું જણાવાયું હતું. વન વિભાગ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ 9 મેની સવારે 10 વાગ્યેને 45 મિનિટે દક્ષિણ આફ્રિકાથી કૂનો નેશનલ પાર્કમાં છોડવામાં આવેલી માદા ચિત્તા દક્ષા મોનિટરિંગ દળે ઘાયલ મળી આવી હતી.પશુ ચિકિત્સકોએ તેની સારવાર કરી. બપોરે 12 વાગ્યે દક્ષા ચિત્તાનું મોત નિપજ્યું હતું. દક્ષા મોટા વાડામાં છોડવામાં આવી હતી, જ્યારે તેની નજીકના વાડામાં દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા નર ચિત્તા વાયુ અને અગ્નિને છોડવામાં આવ્યા હતા. 30 એપ્રિલે કૂનોમાં એક બેઠક મળી હતી. જેમાં નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીના IG ડૉ. અમિત મલ્લિક, ભારતીય વન્યજીવ સંસ્થાનના ડૉ.કમર કુરૈશી, દક્ષિણ આફ્રિકાથી આવેલા પ્રો.એડ્રિયન ટોર્ડિક તથા દક્ષિણ આફ્રિકાથી આવેલ ચિત્તા મેટા પોપ્યુલેશન ઈનિશિયટિવના વિન્સેન્ટ વેન ડાર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં નક્કી થયું હતું કે સાત નંબરના વાડામાં રહેલા દક્ષિણ આફ્રિકાના ચિત્તા કોયલિશન અગ્નિ તથા વાયુને માદા ચિત્તા દક્ષા સાથે રાખવામાં આવે. જે બાદ સાત નંબરના વાડા અને એક નંબરના વાડાનો ગેટ 1લી મેનાં રોજ ખોલવામાં આવ્યો હતો. 6 મેનાં રોજ એક નર ચિત્તો માદા ચિત્તા દક્ષાના વાડામાં દાખલ થયો હતો. વિશેષજ્ઞોનું કહેવું છે કે માદા ચિત્તા દક્ષા પર જે ઈજાના નિશાન જોવા મળ્યા છે તે પહેલી નજરે ચિત્તા દ્વારા હુમલો થયો હોવાનું ધ્યાનમાં આવે છે. મેટિંગ દરમિયાન ચિત્તા વચ્ચેનો હિંસક વ્યવહાર સામાન્ય છે. આવી સ્થિતિમાં ધ્યાન રાખનારી ટીમ દ્વારા હસ્તક્ષેપની સંભાવના લગભગ થતી નથી. નિયમાનુસાર માદા ચિત્તાનું પોસ્ટમોર્ટમ વિશેષજ્ઞોની ટીમ કરી રહી છે. નામીબિયાથી લાવવામાં આવેલ ચિત્તા સાશાનું મોત માર્ચમાં થયું હતું. જ્યારે એપ્રિલમાં દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તા ઉદયનું મોત થયું છે. નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી કૂનો નેશનલ પાર્કમાં 20 ચિત્તા લાવવામાં આવ્યા જેમાં હવે 17 વધ્યા છે. એપ્રિલ મહિનામાં ક્વોરોન્ટાઈન પીરિયડ પૂરો થયા બાદ આફ્રિકિ ચિત્તાઓને મોટા વાડામાંથી ખુલ્લા જંગલમા છોડવામાં આવ્યા હતા. સાઉથ આફ્રિકાથી ગત 18 ફેબ્રુઆરીએ કુનો લાવવામાં આવેલા 12 ચિત્તામાંથી ત્રણ નર ચિત્તાને 17 એપ્રિલે મોટા વાડામાં છોડવામાં આવ્યા હતા. તો 18 એપ્રિલ અને 19 એપ્રિલે બાકીના 9 ચિત્તાઓને પણ કૂનોના મોટા વાડામાં રિલીઝ કરવામાં આવ્યા હતા.