સરદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ 2024 માટે મોરબીમાં પ્રમોશનલ શો યોજાયો : રાજકોટમાં 7થી 10 જાન્યુ. સુધી આયોજિત સમિટમાં જોડાવવા પાટીદારોને હાંકલ મોરબીમાં પાટીદાર સમાજના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો યોજવા માટે કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ અને સરદારધામ વચ્ચે એમઓયુ કરાયા મોરબી : સરદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ 2024 માટે મોરબીમાં પ્રમોશનલ શો યોજાયો હતો. જેમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ મોરબીને ઔદ્યોગિક સાહસથી ભરપૂર શહેર ગણાવીને ઉદ્યોગકારોને હવે સેમી કંડકટર, ગ્રીન હાઇડ્રોજન અને મોબાઈલ ક્ષેત્રે ઝંપલાવવાની હાંકલ કરી હતી. સરદારધામ દ્વારા આગામી તા.7થી 10 જાન્યુઆરી 2024 દરમિયાન રાજકોટના 150 ફૂટ નવા રિંગ રોડ ઉપર જીપીબીએસનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબીના સ્કાયમોલમાં તેનો પ્રમોશનલ શો યોજવામાં આવ્યો હતો. આ શો દરમિયાન કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે આગામી 5 વર્ષમાં ભારતનું અર્થતંત્રએ ઘણા અંશે દેશી ગાય ઉપર આધારિત હશે. કારણકે દૂધ-ઘી-દહી સહિતની ડેરી પ્રોડકટ તો અર્થતંત્રને વેગ આપતી જ હતી. પણ હવે આગામી સમયમાં દેશી ગાયના ગોબર સહિતની પ્રોડકટનો પણ વ્યાપ વધાવાનો છે. વધુમાં મંત્રીએ કહ્યું કે પાટીદાર ધામ ખાતે દીકરી માટે સંકુલ બનાવવામાં આવ્યું છે. મોરબીમાંથી પણ અનેક આગેવાનો ટ્રસ્ટી તરીકે તેમાં જોડાયેલ છે. આ તમામની પ્રવૃત્તિ બિરદાવવા લાયક છે. તેઓએ મોરબી વિશે જણાવ્યું કે મોરબીએ ઔદ્યોગિક સાહસિક શહેર છે. અહીં ઉદ્યોગો ઘણા બધા છે. હવે ઉદ્યોગકારોએ સેમી કંડકટર-ગ્રીન હાઇડ્રોજન- મોબાઈલ ક્ષેત્રે ઝંપલાવવાની જરૂર છે. 2014માં ભારતમાં મોબાઈલની માત્ર 2થી 3 કંપની હતી. અત્યારે 200 થઈ ગઈ છે. દેશનું મોબાઈલનું એક્સપોર્ટ 9 બિલિયન ડોલર છે. જે 2025-26માં 126 બિલિયન ડોલરે પહોંચાડવાનું લક્ષ્ય છે. આ ઉપરાંત ગ્રીન હાઇડ્રોજન અને સેમિકંડક્ટર ભારતમાં જ બને તેવા સરકાર પણ પ્રયત્નો કરે છે. આ ત્રણ ક્ષેત્રોના મોરબીના ઉદ્યોગો માટે વિપુલ તક છે. મંત્રીએ ઉમેર્યું કે હાલ બ્રાન્ડિંગનો સમય છે. ટેક્નોલોજીનો દરેક ક્ષેત્રમાં ઉપયોગ કરીને વિકાસ કરવો જોઈએ. ઉદ્યોગ જો સમય સાથે તાલ નહિ મિલાવે તો ફેંકાઈ જશે. અંતમાં મંત્રીએ સામાજિક મુદ્દો ઉપાડીને એવું કહ્યું કે કડવા અને લેઉઆ શબ્દ કાઢી જ નાખવો જોઈએ. પાટીદારોએ એકતા દેખાડી સમાજ અને દેશ માટે સતત કામ કરતા રહેવું જોઈએ. તેઓએ સરદારધામ વિશે કહ્યું કે સરદારધામ એ એક વિચારધારા છે. મોરબીમાંથી જ ઓ.આર પટેલે તેનું બીજ રોપ્યુ હતું. આજે તે વટવૃક્ષ બનીને આગળ વધી રહ્યું છે. આ પ્રમોશનલ શોમાં મોરબીમાં પાટીદાર સમાજના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો શરૂ થાય તે અંગે કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ અને સરદારધામ વચ્ચે એમઓયું થયા હતા. આ ઉપરાંત શોમાં સિરામિક પ્રમુખોએ જણાવ્યું કે જીપીબીએસમાં સિરામિક ઉદ્યોગ માટે એક ડોમ રાખવામાં આવશે. હજુ બીજા ડોમ માટે વાતચીત ચાલી રહી છે. આ શોમાં કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા ઉપરાંત સરદારધામના ગગજીભાઈ સુતરીયા, ગોવિંદભાઈ વરમોરા, જેરામભાઈ વાંસજાળીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયા, આરએસએસના પશ્ચિમ સરસંઘચાલક જયંતીભાઈ ભાડેસિયા, કૌશિક રાબડીયા, નિલેશ જેતપરિયા, હંસરાજભાઈ ગજેરા, સિરામિક એસો.ના પ્રમુખો મુકેશભાઈ કુંડારીયા, વિનોદભાઈ ભાડજા, કિરીટભાઈ પટેલ, હરેશભાઈ બોપલીયા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને દુર્લભજીભાઈ દેથરીયા સહિતના અનેકવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.