ઈચ્છિત પરિણામ ના મેળવનાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર બમણા જોરથી અભ્યાસમાં લાગી જાય, કોરોના જેવી અઘરી પરીક્ષા પાસ કરનાર સામે જીવનની કોઇપણ પરીક્ષા અઘરી નથી જ આવનારી સદી ભારતની હોય ત્યારે આવો રાષ્ટ્રની વેદો, ઉપનિષદો અને યોગની અમૂલ્ય વિરાસત અને સંસ્કૃતિને જાળવી રાખવા આપણા ભારતમાં જ પરિવાર સાથે જ રહીને ભારતને વિશ્વગુરુ બનાવીએ મોરબી : ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અપેક્ષિત પરિણામ મેળવનાર સૌ વિદ્યાર્થી મિત્રોને હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ અભીનંદન પાઠવ્યા છે. સાથે જણાવ્યું છે કે ઈચ્છિત પરિણામ ના મેળવનાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર બમણા જોરથી અભ્યાસમાં લાગી જાય, કોરોના જેવી અઘરી પરીક્ષા પાસ કરનાર સામે જીવનની કોઇપણ પરીક્ષા અઘરી નથી જ. પ્રકાશભાઈ વરમોરાએ વધુમાં ઉમેર્યું કે કોરોનાના વિષમકાળ બાદ યોજાયેલી આ પરીક્ષા સૌ વિદ્યાર્થી અને તેમના પરિવારની માટે ધૈર્યની પરીક્ષા હતી, જેમાં મોટાભાગના વિદ્યાર્થી મિત્રો સાંગોપાંગ પાર ઉતર્યા છે. એમાંય ગુજરાતના છોટે કાશી તરીકે ઓળખાતા હળવદ જેવા નાના કેન્દ્રે ૯૦.૪૧ % સાથેના સર્વોચ્ચ પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ આવીને ડંકો વગાડી દીધો. તો હળવદની જોડે મોરબી પણ સાથ પુરાવતું હોય તેમ રાજ્યના તમામ જિલ્લામાં અવ્વલ રહ્યું. ભારતીય સંસ્કૃતિના વાહક એવા તમામ સફળ વિદ્યાર્થી મિત્રો સફળતાના આ શિખરે સરસ્વતી માતા, માતાપિતા, માતૃ શિક્ષણ સંસ્થા, શિક્ષક સહાયક અને માતૃભૂમિનો ઋણ સ્વીકાર કરવાનું ના ભૂલે. અપેક્ષાથી ઓછુ પરિણામ મેળવનાર વિદ્યાર્થી મિત્રો યાદ રાખે કે કોઈ પરીક્ષા છેલ્લી પરીક્ષા નથી જ, અને સફળતા માત્ર અને માત્ર અવિરત મહેનતથી જ મળે છે. સાથે સાથે સફળ થનાર વિદ્યાર્થી મિત્રો માટે કારકિર્દીની જરૂરી સમજણ કેળવવી પણ ખૂબ જરૂરી બની જાય છે.જે વિદ્યાર્થી મિત્રોએ વિજ્ઞાન પ્રવાહમાં ઝળહળતી સફળતા મેળવી છે, તેઓ માટે કારકિર્દીના ખૂબ બધા વિકલ્પો આપણા દેશમાં જ ખુલવાના છે.એ વિદ્યાર્થી મિત્રો માટે ખાસ વાત જણાવવી છે કે અત્યારના વર્ષોમાં અને હવે પછીના આવનારા એક દાયકામાં ભારત દેશમાં રોજગારના ખૂબ વિકલ્પો આપની પ્રતિક્ષા કરી રહ્યા છે. પહેલાના વર્ષો કરતા અત્યારે ભારતીય ચલણી નાણાની મજબૂતાઇ પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ વધી છે અને ક્યારેય ના મળી હોય તેવી સ્વીકૃતિ મળી છે, સાથે સાથે દેશની શાખ પણ ખૂબ વધી છે. ભારત હવે ટેકનોલોજીથી આત્મનિર્ભર બનવાની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે દેશને તમામ શાખાના ઇજનેરોની ખૂબ જરૂર પડવાની છે. વિદેશની ઉચ્ચ તબીબી સવલતો ભારતમાં આવવાથી ભારતમાં કુશળ તબીબોની ખૂબ જરૂર છે અને કાયમ રહેવાની છે. એ સાથે જ અન્ય પાડોશી દેશોની આંતરરાષ્ટ્રીય વેપાર અંગેની ખરાબ નીતિઓને કારણે સમગ્ર વિશ્વના દવા ઉત્પાદકો તેમજ અન્ય ઔધોગિક એકમો પણ ભારત તરફ વળી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિ પાસે અમૂલ્ય એવું આર્યુવેદિક અને વનસ્પતિ શાસ્ત્ર રહેલું છે, જેમાં રીસર્ચમાં અને પેટન્ટમાં પણ ખૂબ વિપુલ પ્રમાણમાં તકો રહેલી છે.આપણા દેશમાં કૃષિ ક્ષેત્રે પ્રાકૃતિક ખેતીમા વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને ક્રાંતિ લાવવા માટે વધારે ને વધારે વિજ્ઞાન પ્રવાહના સ્નાતકની જરૂર રહેવાની છે, તો સાથે સાથે પશુધનની સુખાકારી માટે પશુ ચિકત્સક પણ એટલા જ પ્રમાણમાં અપેક્ષિત છે. માંગ અને પુરવઠાની આ સાતત્યતા જાળવવા આપણી સરકાર પણ યુવાઓને તેમના સપનાની ઊંચાઈ આંબવા સ્ટાર્ટ અપ યોજનાઓ થકી પાંખો આપી રહી છે.આ બધા જ સંકેતો ભારત ખૂબ ઝડપથી ફરીથી વિકસિત રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે તે દિશામાં અંગુલીનિર્દેશ કરે છે. અંતમાં પ્રકાશભાઇ વરમોરાએ જણાવ્યું કે જ્યારે આવનારી સદી ભારતની હોય ત્યારે આઓ રાષ્ટ્રની વેદો, ઉપનિષદો અને યોગની અમૂલ્ય વિરાસત અને સંસ્કૃતિને જાળવી રાખવા આપણા ભારતમાં જ પરિવાર સાથે જ રહીને ભારત વિશ્વગુરુ બનાવીને ભારતની સંસ્કૃતિથી સમગ્ર વિશ્વને અવગત કરાવીને સાચા અર્થમાં વસુધૈવ કુટુમ્બકમની વૈશ્વિક ભાવનાને ચરિતાર્થ કરીએ.