વાંકાનેર : ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અંતર્ગત કુમુદબેન મહેતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વાંકાનેર અભ્યાસ કેન્દ્ર દ્વારા વાંકાનેરના વખારિયા ઓડીટોરિયમ, કે.કે.શાહ માધ્યમિક સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સન્માન સમારોહમાં અમર સિંહજી કેમ્પસ ખાતે કાર્યરત બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી વાંકાનેર અભ્યાસ કેન્દ્રમાં સ્નાતક (B.A./B.com) તથા અનુસ્નાતક (MSO,MEG,MGT,) કક્ષાએ પદવી મેળવનાર વિદ્યાર્થીઓ તથા ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના 270 જેટલા અભ્યાસ કેન્દ્રોમાં વિદ્યાર્થીઓમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે આર્ટસમાં પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થિની બાદી રીઝવાના અબ્દુલ રહીમભાઈ તથા કોમર્સ વિભાગમાં પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થિની ચાવડા રસીલા સુરેશભાઈ તથા ડો.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે યોજાયેલા તેજ તૃષા સ્પર્ધા 2022માં વાંકાનેર સેન્ટરમાંથી 22 વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં રાસ ગરબા સ્પર્ધામાં રાજ્યકક્ષાએ દ્વિતીય નંબર મેળવનાર 14 વિદ્યાર્થીઓ તથા કોલાઝ સ્પર્ધામાં દ્વિતીય નંબર મેળવનાર શેરસિયા શમાબાનુ તથા ગીત સ્પર્ધામાં સાંગધ્રા ડોલીન બેન વગેરે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ લલિતભાઈ મહેતા તથા માનદ મંત્રી અનંતરાય મહેતા તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ, પત્રકારો, વિદ્યાર્થીઓના વાલીઓએ હાજરી આપી હતી તથા ગુગલ મીટ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના રાજકોટ પ્રાદેશિક કેન્દ્રના રિઝનલ ડિરેક્ટર સચીબેન ભટ્ટ તથા આસિસ્ટન્ટ ડિરેક્ટર નિધિબેન દેસાઈ તથા અન્ય અભ્યાસ કેન્દ્રના સંચાલકો તથા સેન્ટરના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. રીઝનલ ડિરેક્ટર સચીબેન ભટ્ટ દ્વારા વિધાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.