મોરબી : મોરબીની સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષકને ગિજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સ્કૂલ એકેડેમી કેરલા અને ટીમ મંથન ગુજરાત દ્વારા દર વર્ષે સમગ્ર ભારતમાંથી શિક્ષણના ક્ષેત્રમાં નાવીન્યપૂર્ણ કામ કરતા, રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ ઈનોટીવ શિક્ષક, તેમજ અનેકવિધ પ્રવૃત્તિઓ મારફત વિદ્યાર્થીઓના વિકાસ માટે સતત કાર્યરત એવા શિક્ષકોને પસંદ કરીને ગિજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવે છે. ત્યારે સમગ્ર ભારતમાંથી 110 જેટલા પસંદગી થયેલ શિક્ષકોમાંથી મોરબી જિલ્લાના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણીયાને બનાસકાંઠા જિલ્લાની ગોગાઢાણી પ્રાથમિક શાળા ખાતે ગિજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે શાળા અને મોરબી જિલ્લાના ગૌરવમાં વધારો કર્યો છે. વિજયભાઈએ શિક્ષણના અનેક ક્ષેત્રમાં અનેકવિધ કામગીરી કરી છે. બાળકોના વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ શાળામાં કરાવે છે. તેમણે કરેલી 900 જેટલી પ્રવૃતિઓ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે કરેલી પ્રસંશનીય કામગીરીની નોંધ લેવાતા વિજયભાઈએ ટીમ મંથન ગુજરાતના શૈલેષભાઈ પ્રજાપતિ, અનિલભાઈ શ્રીમાળી અને સતીષભાઈ પ્રજાપતિ તેમની અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.