મોરબીઃ મોરબી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા એક ભૂલી પડી ગયેલી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે. યુવતીના પરિવારમાં ઝઘડો થતાં પિતા ઘરેથી ચાલ્યા ગયા હતા અને આ 19 વર્ષની યુવતી પિતાને શોધવા ઘરેથી નીકળી હતી. પરંતુ આ યુવતી રસ્તામાં ભૂલી પડી ગઈ હતી અને નજીકના મંદિરમાં છેલ્લા 10 દિવસથી રઝળતી હાલતમાં હતી. જેની જાણ અન્ય લોકોએ 181ની ટીમને કરી હતી અને 181ની ટીમે યુવતીને રાત્રિના સમયે આશ્રય અને સલામતી માટે સખી વન સ્ટોપ સેન્ટર મોરબી ખાતે મૂકી ગઈ હતી. ત્યારબાદ 181ની ટીમ દ્વારા મળેલા મોબાઈલ નંબર પર યુવતીના માતાનો સંપર્ક કરી તેઓને મોરબી બોલાવાયા હતા અને માતા અને યુવતીનું મિલન થયું હતું. ઘણા દિવસો બાદ દીકરી મળતાં માતાએ રાહતનો શ્વાસ લીધો હતો અને સખી વન સ્ટોપ સેન્ટર મોરબીના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.