હળવદ : હળવદના ચરાડવા ગામના ખેત મજૂરી કરતાં પરિવારના મંજુબેનને રસ્તા ઉપરથી મળેલી 1 લાખ રૂપિયાની કિંમતની સોનાની લકી મૂળમાલિકને પરત કરીને માનવતા અને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગત રવિવારે બપોરે હળવદની સોનીવાડમાં આવેલા એક મહેમાનની સોનાની લકી ખોવાઈ ગઈ હતી. અંદાજે 1 લાખ રૂપિયાની કિંમતની આ લકી ત્યાંથી પસાર થઈ રહેલા ચરાડવા ગામના ખેડૂત પરિવારના મંજુબેન વેલજીભાઈ જાંબુકીયાને મળી હતી. તેમણે ઘરે આવીને તેમના દીકરાને આ અંગે વાત કરતાં તેમના પુત્ર પરેશભાઈએ તેમજ સામાજિક અગ્રણી અજ્જુભાઈએ લકી મળી હોવાની પોસ્ટ સોશિયલ મીડિયા પર કરી હતી. ત્યારબાદ મૂળ માલિકનો સંપર્ક કરીને મંજૂબેન જાંબુકીયા અને પરેશભાઈ જાંબુકીયાએ આ સોનાની લકી મૂળ માલિકને પરત કરી હતી. આમ ખેડૂત પરિવારે લકી પરત કરીને પ્રામાણિકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.