મોરબીના સામાજિક અગ્રણી દ્વારા મુખ્યમંત્રીને રજુઆત મોરબી : મોરબીના સામાજિક અગ્રણી દ્વારા મોરબી શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની સાથે સુપરસીડ થયેલ પાલિકાના હોદેદારો સામે પગલા ભરવા બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે. સામાજિક અગ્રણી કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબી નગરપાલિકા ગુજરાતમાં એ ગ્રેડની પાલિકામાંથી એક છે. તેથી તેને મહાનગરપાલિકામાં ફેરવવામાં આવશે તેવી વાતો સાંભળવા મળી હતી તેથી અમારી માંગણી છે કે મોરબી પાલિકાને મહાનગર પાલિકામાં ફેરવવામાં આવે. હાલ મોરબી શહેર અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે જો મહાનગરપાલિકાનો દરજ્જો મળે તે ઘણા પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ ઘર આંગણે શક્ય બની શકે તેમ છે. હાલ મોરબીના લોકોને યોગ્ય સુવિધાઓ મળતી નથી ત્યારે મોરબીની આસપાસના ગામો જેવા કે રવાપર, શનાળા, વાવડી, અમરેલી, મહેન્દ્રનગર, ત્રાજપર, ભડિયાદ, લીલાપર વગેરેને ભેળવીને મહાનગરપાલિકા બનાવવામાં આવે તેવી માંગણી છે. સાથે જ કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબી પાલિકા સુપરસીડ થઈ હોવા છતાં કોઈ પણ નગરસેવેકો કે પદાધિકારીઓ સામે કોઈ કાનૂની પગલા લેવામાં આવ્યા નથી તે આશ્ચર્યજનક છે. જો નગર પાલિકાને જવાબદાર ગણીને સુપરસીડ કરવામાં આવતી હોય તો તેના નગરસેવકો કે પદાધિકારીઓ જવાબદાર કેમ નથી ? તો આ બાબતે જવાબદારો સામે કાનૂની કાર્યવાહી કરવા પણ માંગ ઉઠાવી છે.