મોરબી : હવામાન વિભાગ દ્વારા વધુ એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી 3 દિવસ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે માવઠું ખાબકવાની આગાહી કરવામાં આવી છે જેમાં તા.28મીએ મોરબી પંથકમાં માવઠાની શક્યતા વ્યક્ત કરાઈ છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં સતત છૂટા-છવાયા કમોસમી વરસાદી ઝાપટા પડી રહ્યાં છે ત્યારે હવામાન વિભાગ દ્વારા તા.26ને બુધવારથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે, આગાહી અન્વયે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારોમાં 26, 27 અને 28 એપ્રિલ એમ ત્રણ દિવસ કમોસમી વરસાદ પડવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ 26 એપ્રિલના રોજ દાહોદ, તાપી, ડાંગ, નર્મદા, કચ્છ, અમદાવાદ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં, તા. 27 એપ્રિલને ગુરૂવારના રોજ સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, બોટાદ સહિતના શહેરોમાં અને 28 એપ્રિલને શુક્રવારના રોજ પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોડા ઉદેપુર, તાપી, ડાંગ, નર્મદા, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, કચ્છ સહિતના વિસ્તારોમાં હવામાનમાં પલટો આવવાની સાથે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.