મોરબીઃ આજ રોજ તારીખ 25 એપ્રિલ ને મંગળવારના રોજ મોરબી ત્રિપાખ સાધુ સમાજ દ્વારા આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજની જન્મ જયંતીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. સાથે જ રામાનુચાર્ય મહારાજની જન્મ જયંતી અને સોમનાથ સ્થાપત્ય દિવસની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્રિપાખ સાધુ સમાજ એટલે કે દશનામ ગોસ્વામી સમાજ, રામાનંદી સાધુ સમાજ, માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા આ પ્રસંગ ખૂબ જ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. દરેક સાધુના ઘરે આસોપાલવનું તોરણ બાંધી આંગણામાં રંગોળી પુરી શંકરાચાર્ય મહારાજનું પૂજન કરી અને આજુબાજુમાં પ્રસાદ વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા મોરબી શહેરમાં યોજવામાં આવી હતી. સવારે 9 કલાકે દરબાર ગઢથી નીકળેલી શોભાયાત્રા ગ્રીનચોક, નેહરુ ગેટ ચોક, તખતસિંહજી રોડ, સુપર ટોકીઝ, રેલ્વે સ્ટેશન થઈ શંકર આશ્રમ પૂર્ણ થઈ હતી. આ શોભાયાત્રામાં સાધુ સમાજ બહોળી સંખ્યામાં જોડાયો હતો અને આ પ્રસંગને શોભાવવા માટે ત્રિપાખ સાધુ સમાજના પ્રમુખ સુખરામ બાપુ તથા મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ ગુલાબગીરી તથા રામાનંદી સાધુ સમાજના પ્રમુખ દિનેશભાઈ નિમાવત તથા વૈષ્ણવ માર્ગી સમાજના પ્રમુખ યોગેશભાઈ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.