કોરોના કાળમાં મૃતકોના પરિવારો પણ પાસે જ જતા ડરતાં ત્યારે મુસ્લિમ મહિલાએ જાતે જ કોરોના મૃત્યુ પામેલા લોકોની ડેડબોડી પેક કરીને અંતિમ વિધિ કરી હતી મોરબી : જેમને સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમમાં કે સ્મશાન જતા ડર કે જરાય ખચકાટ લાગતો નથી તે છે મોરબીના મુસ્લિમ મહિલા હસીનાબેન લાડકા. આ મુસ્લિમ મહિલા મોરબીની સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી બિનવારસી મૃતદેહોને અંતિમ મંઝિલે પહોંચાડીને માનવતા મુઠી ઉંચેરી હોવાનું પુરવાર કરી રહ્યા છે. તેઓએ છેલ્લા 12 વર્ષની અંદર બિનવારસી સહિત 3300 જેટલા મૃતદેહોની અંતિમ વિધિ કરી છે. આ મહિલા ધર્મના વાડાથી ઉપર ઉઠીને આ માનવતાનું કામ કરી રહ્યા છે. તેઓ કોઈ ધર્મને બદલે એકમાત્ર ઇન્સાનીયતના ધર્મમાં માને છે. હસીનાબેન લાડકા કહે છે કે, સિવિલ હોસ્પિટલમાં આવતી કોઈપણ બિનવારસી ડેડબોડી, મર્ડર થયેલા હોય કે, રેલવેમાં ટ્રેન હેઠળ કપાયેલા હોય નાના બાળકો તેમજ પ્રસુતિ વખતે મૃત્યુ પામેલા બાળકો હોય એવા તમામ મૃતદેહોની અંતિમ યાત્રા કાઢી જાતે જ સ્મશાનમાં જઈને તેમના એક સ્વજનની જેમ અંતિમ વિધિ કરે છે. સૌથી મહત્વની બાબત એ છે કે, કોરોના કાળ વખતે સિવિલમાં અનેક લોકોના મોત થયા હતા, કોરોનાથી મૃત્યુ પામેલા હોવાથી તેમના પરિવારજનો આ સ્વજનની ડેડબોડી પાસે જતા ડરતાં હતા. ત્યારે આ હસીનાબેન માસ્ક કે કીટ પહેર્યા વગર ખુલ્લા હાથે જ કોરોના મૃત્યુ પામેલા વ્યક્તિઓની જાતે જ ડેડબોડી પેક કરીને ફુલહાર કરીને અંતિમયાત્રામાં કાઢીને પુરી સંવેદના સાથે અંતિમવિધિ કરતા હતા. તોય તેમને કોરોના થયો ન હતો. સ્માશનમાં પણ માત્ર ડેડબોડી મૂકીને આવતા નહિ પણ ત્યાં જે ધર્મ કે જ્ઞાતિનો વ્યક્તિ હોય તો એ ધર્મ અનુસાર જ તેઓ મૃતકની અંતિમવિધિ કરે છે મુસ્લિમ હોય તો કલમાં પઢીને દફનાવે છે અને મુસ્લિમ હોવા છતાં હિન્દૂની અંતિમ યાત્રા કાઢીને હિન્દુની તમામ વિધિ કરતા જરાય ખચકાતા નથી. એવી જ રીતે કોડભરી કન્યા હોય અને એનું મૃત્યુ થયું હોય તો પીઠી ચોળી, ચુંદડી ઓઢાડીને પુરા દિલથી અંતિમવિધિ કરે છે. જો કે ડેડબોડી ગમે તેટલી કટકા થઇ ગયેલી હોય કે માથું ધડથી અલગ થઈ ગઈ હોય છતાં તેમને જરાય ડર લાગતો નથી. પણ કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામેલા નાના બાળકોને દફનાવતી વખતે તેમનું હદય દ્રવી ઉઠ્યું હતું. થોડા દિવસો પહેલા ધડથી માથું અલગ થઈ ગયેલું હોવા છતાં તેની અંતિમવિધિ કરી હતી. હસીનાબેન માત્ર મૃતકોને અવવલ મંઝિલ જ નથી પહોંચડતા, તેમની અસ્થિઓનું પણ વિસર્જન કરે છે. તાજેતરમાં જ જૂનાગઢ ખાતે બિનવારસીઓની અસ્થિઓનું વિસર્જન કર્યું હતું. તેમની આ સેવાને લઈને દાતાઓ તરફથી એક એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.