મોરબી - માળીયા હાઇવે ઉપર હોટેલના ગ્રાઉન્ડમાં બનેલો બનાવ : ત્રણ ગાડીમાં ધસી આવેલા સાત શખ્સોએ આતંક મચાવ્યો મોરબી : મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં સતત બીજા દિવસે સરાજાહેર ફાયરિંગની ઘટના સામે આવી છે. માળીયા -મોરબી હાઇવે ઉપર બંધ પડેલી હોટલના પાર્કિંગમાં ટ્રક ગેરેજના સંચાલકને જલ્દી ટ્રક રીપેર કરી આપવાનું કહેતા હોટ સંચાલક વચ્ચે પડતા રાત્રીના સમય જુદી-જુદી ત્રણ ગાડીઓમાં આવેલા સાત શખ્સોએ ધડાધડ ફાયરિંગ કરી ભયનો માહોલ સર્જતાં માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. હાલમાં ભરૂચના અંકલેશ્વર ખાતે રહેતા મૂળ માળીયા શહેરના ત્રણ રસ્તા પાસે રહેતા સફિરભાઈ મુસાભાઇ મોવરે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે તેઓ માળીયા -મોરબી હાઇવે ઉપર આવેલી પોતાની બંધ પડેલી નવજીવન હોટલે બેઠા હતા ત્યારે એક ટ્રક ચાલક ત્યાં આવ્યો હતો અને શ્યામ કમાન વર્કસ નામના ગેરેજ સંચાલક શ્યામભાઇ સાથે લપ કરી આ ઓસમાણભાઈનો ટ્રક છે જલ્દી રીપેરીંગ કરી આપો કહી માથાકૂટ કરતા ગેરેજ સંચાલક ફરિયાદી સફિરભાઈ પાસે આવી માથાકૂટ અંગે કહેતા સફિરભાઈ મુસાભાઇ મોવરે ટ્રક ચાલકને તમારો વારો આવશે એટલે ટ્રક રીપેર થઈ જશે તેમ કહેતા ટ્રક ચાલકે કોઈની સાથે ફોનમાં વાત કરાવી હતી. બાદમાં રાત્રીના સમયે શ્યામભાઈનો ફરિયાદી સફિરભાઈ મુસાભાઇ મોવર ઉપર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે ટ્રક વાળા લોકો હોટલ આવ્યા છે જેથી સફિરભાઈ હોટલે જતા જ એન્ડેવર, સ્વીફ્ટ અને સ્કોર્પિયો કારમાં આવેલ આરોપી જુસબભાઇ ગુલમાંમદભાઈ મોવર, હૈદર સુમારભાઈ મોવર,ઓસમાણ સુમારભાઈ મોવર અને તેમની સાથે રહેલા અજાણ્યા ચાર શખ્સોએ સફિરભાઈ તરફ દોડ્યા હતા અને તેઓ કી સમજે વિચારે તે પહેલા જ ધડાધડ ફાયરિંગ કરવાનું શરૂ કરતા સફિરભાઈ જીવ બચાવી ત્યાંથી નાસી છૂટ્યા હતા અને બાદમાં માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફાયરિંગના આ બનાવ અંગે માળીયા પોલીસે સફિરભાઈ મુસાભાઇ મોવરની ફરિયાદને આધારે આરોપી જુસબભાઇ ગુલમાંમદભાઈ મોવર, હૈદર સુમારભાઈ મોવર,ઓસમાણ સુમારભાઈ મોવર અને તેમની સાથે રહેલા અજાણ્યા ચાર શખ્સો વિરુદ્ધ આર્મ્સ એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.