જાલસીકા ગામે ડાડાના દર્શન કરી પરત ફરતા સમયે બનેલો બનાવ : ઇકો ચાલક અને ભુવાનું કમકમાટીભર્યું મૃત્યુ વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાડધરા નજીક ઇકો કાર તથા ડમ્પર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાતા જાલસીકા ગામે ડાડાના દર્શન કરી પરત ફરી રહેલા ભુવા તેમજ ઇકો ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું જયારે અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના માટેલ ગામે રહેતા અને માલઢોર ચરાવતા સિંધાભાઇ મોમભાઈ ટોટા તેમજ તેમના ભાઈ સતિષભાઈ ઉર્ફે નારણભાઇ મોમભાઇ ટોટા, આણંદપર ગામના ભુવા છનાભાઈ લક્ષ્મણભાઇ કેરવાડીયા તેમજ જેતપરડા ગામના ભુવા જાલાભાઈ કડવાભાઇ સરૈયા અને જાલાભાઈ ટીડાભાઇ સરૈયા તા.22ના રોજ રાત્રીના આઠ વાગ્યે ઇકો કારમાં વાંકાનેરના જાલસીકા ગામે આવેલ ડાડાના દર્શન કરવા ગયા હતા જ્યાંથી રાત્રીના બે વાગ્યે પરત ફરતા સમયે જેતપરડા ગામે બન્ને જાલાભાઈ નામના ભુવાને ઉતારી માટેલ તરફ આવતા હતા ત્યારે વાંકાનેર તાલુકાના પાડધરા ગામ પાસે સામેથી આવતા ડમ્પર સાથે ઇકો કાર જોરથી અથડાતા આ અકસ્માતમાં ઇકો કાર ચલાવતા સતિષભાઈ ઉર્ફે નારણભાઇ મોમભાઇ ટોટા, આણંદપર ગામના ભુવા છનાભાઈ લક્ષ્મણભાઇ કેરવાડીયાનું મૃત્યુ નીપજ્યું હતું જયારે આ અકસ્માતમાં સિંધાભાઇ મોમભાઈ ટોટાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતના આ બનાવ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.