ખેતીની જમીનમાં મંજૂરી વગર ગેસ પાઇપલાઈન નાખી કંપનીઓ ખેડૂતોને દમદાટી આપી ધમકી આપતા હોવાની જિલ્લા કલેકટરને લેખિતમાં ફરિયાદ મોરબી : માળીયાના હરિપર ગામે ખેડૂતોની મંજૂરી વગર આડેધડ ગેસ પાઇપલાઇન નાખીને ઉપરથી ખેડૂતો દમદાટી આપી ધમકાવતા હોવાથી ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે. જેમાં ખેતીની જમીનમાં મંજૂરી વગર ગેસ પાઇપલાઈન નાખી કંપનીઓ ખેડૂતોને ધમકી આપતા હોવાની જિલ્લા કલેકટરને લેખિતમાં ફરિયાદ કરી છે. માળીયા (મીં) તાલુકાના હરિપર ગામે રહેતા અહેમદભાઈ અસ્માલભાઈ પાયક સહિતના ખેડૂતોએ જિલ્લા કલેકટરને લેખિતમાં રજુઆત કરી હતી કે, માળીયાના હરિપર ગામે ખેતીની જમીનમાં આઈ.એચ બી. કંડલાથી ગોરખપુરની ગેસ પાઇપલાઇન ખેડૂતોની મંજૂરી વગર ભુમાફિયાઓએ નાખી દીધી છે. રાતોરાત આ ગેસ પાઈપલાઈન નાખી દીધા બાદ ખેડૂતોએ ફરિયાદ કરતા તેમને દમદાટી આપી ધમકાવે છે. જેમાં ખેડૂતોએ જવાબદાર વ્યક્તિને ફોન કરીને ફરિયાદ કરતા તેઓએ કલેકટરનો આ હુકમ છે અને પોલીસ અમારી સાથે છે તેમજ આ ગેસ પાઇપલાઇનનું કામ ચાલુ જ રહેશે તેવું કહીને ધમકી આપી હતી. ત્યારે આવી કંપનીઓ ઉપર લેન્ડ ગ્રેબિંગ થઈ શકે કેમ તે અંગે સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો કલેકટર યોગ્ય કાર્યવાહી નહિ કરે તો સરકારમાં દાદ મેળવવા તેમજ સ્થળ ઉપર આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે.