કોઈએ કેમિકલ્સ યુક્ત પદાર્થ નાખી દેતા માછલાના મોત થયાની આશંકા મોરબી : મોરબીના મહેન્દ્રનગર અને ઘુંટુ રોડ વચ્ચે આવેલ ખોડિયાર માતાજીના મંદિર પાસે નીકળતી કાલીન્દ્રી નદીમાં અસંખ્ય માછલાઓના ભેદી રીતે ટપોટપ મોત નિપજતા જીવદયાપ્રેમીઓમાં અરેરાટી મચી ગઇ છે. જો કે, કોઈએ કેમિકલ્સ યુક્ત પદાર્થ નાખી દેતા માછલાના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રનગર અને ઘુંટુ રોડ વચ્ચે આવેલ ખોડિયાર માતાજીના મંદિર પાસે નીકળતી કાલીન્દ્રી નદીના કાંઠે આજે અસંખ્ય માછલાઓના મૃતદેહો તણાયને આવ્યા હતા. કોઈએ આ કાલીન્દ્રી નદીમાં કેમિકલ યુક્ત ઝેરી પદાર્થ નાખી દેતા છેલ્લા ત્રણ દિવસથી નદીમાં માછલાના મોત થયાનું તારણ દર્શાવાય રહ્યું છે. જો કે આ કેમિકલ યુક્ત પાણી પીવાથી આજે સૌથી વધુ માછલાના મોત થયા હતા. અંદાજીત આઠ વર્ષમાં પહેલી વખત આ રીતે અસંખ્ય માછલાના મોત થયાની ઘટના હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ માછલાઓના મૃતદેહોને કારણે ત્યાં ઉભા પણ ન રહી શકાય તેવી દુર્ગંધ ફેલાય રહી છે. માછલાઓના મોત થતા જીવદયાપ્રેમીઓમાં અરેરાટી મચી ગઇ છે. આ સમગ્ર બનાવ અંગે પદુષણ નિયત્રણ બોર્ડને જાણ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.