મોરબીમાં ક્રિકેટ ગુરુ એપ્લિકેશન મારફતે રમાતા જુગાર ઉપર પોલીસની કાર્યવાહી મોરબી : મોરબીના રણછોડનગરમાં પાનની દુકાન પાસે જાહેરમાં પંજાબ - લખનૌ વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી એક શખ્સને ઝડપી લઈ અન્ય એક શખ્સનું નામ ખોલાવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રણછોડનગરમાં સતનામ એપાર્ટમેન્ટ નજીક ડિલક્સ પાનની દુકાન પાસે ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી તુલસી હસમુખભાઈ શંખેસરિયા નામના રાજનગરમાં રહેતા યુવાનને ઝડપી લઈ તલાસી લેતા તેના મોબાઈલ ફોનમાં ઓનલાઈન ગુરુ એપ્લિકેશન મારફતે પંજાબ - લખનૌ વચ્ચે રમાતી ટવેન્ટી ટવેન્ટી ક્રિકેટ મેચ ઉપર થાય ન થાયનો રન ફેરનો ક્રિકેટનો સટ્ટો રમતો હોવાનું સામે આવતા પોલીસે 850 રોકડા તેમજ 5000નો મોબાઈલ ફોન કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. વધુમાં પોલીસે આરોપી તુલસીની પૂછપરછ કરતા ઇમરાન કાસમાણી નામના શખ્સ સાથે ક્રિકેટનો જુગાર રમતો હોવાની કબૂલાત આપતા પોલીસે ઇમરાનને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો દાખલ કર્યો હતો.