વાંકાનેર તાલુકાના હસનપર ગામ નજીક રેસ્ટોરન્ટમાં બનેલો બનાવ વાકાનેર : વાંકાનેર તાલુકાના હસનપર ગામે રહેતા યુવાને ત્રણ વર્ષ પહેલા કરેલા પ્રેમલગ્નનો ખાર રાખી યુવતીના કૌટુંબિક સગાઓએ યુવાન અને બે લોકો ઉપર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના હસનપર ગામે રેલવેસ્ટેશન નજીક આવેલ ખોડિયાર રેસ્ટોરન્ટમાં ભરતભાઈ સતાભાઈ મૂંધવા ઉપર આરોપી પરબત નાજાભાઈ, મશરૂ નાજાભાઈ, વિશાલ પરબતભાઇ, વિક્રમ પરબતભાઇ, બધાભાઈ હિન્દુભાઈ અને છગનભાઇ નાજાભાઈના મોટા દીકરા સહિતના બે અજાણ્યા શખ્સોએ ધારીયું, છરી, પાઇપ સહિતના હથિયાર વડે હુમલો કર્યો હતો. વધુમાં ફરિયાદી ભરતભાઈએ આરોપીઓની કૌટુંબિક દિકરી સાથે ત્રણ વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કર્યા હોય જેનો ખાર રાખી આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું. વધુમાં આઠ શખ્સોએ ઘાતક હથિયાર સાથે કરેલ આ જીવલેણ હુમલામાં ફરિયાદી ભરતભાઇ તેમજ સાહેદ રોહિત અને ઉત્તમસિંહને પણ ગંભીર ઇજાઓ પહોચતા સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ભરતભાઈની ફરિયાદને આધારે આઠેય આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.