મોરબી : ગુજરાતીઓ-સૌરાષ્ટ્રવાસીઓ દેશ-દુનિયામાં ફેલાયા છે. વર્ષોથી વેપાર અર્થે એમણે સાગર ખેડ્યો અને પહાડ ભેદ્યા છે. પરંતુ એક સમુહ-એક વર્ગ એવો છે જે એક હજાર વર્ષ પહેલાં પોતાનાં કૂળ-મૂળ બચાવવા માટે વતન છોડીને હજારો માઈલ છેટે જઈને વસ્યો. પણ પોતાની ઓળખ એમણે ગુમાવી નહીં. ચેન્નઈ, મદુરાઈ કે બેંગ્લોરમાં એવા લોકો વસે છે જેઓ સૌરાષ્ટ્રીયન બ્રાહ્મણ તરીકે ઓળખાય છે. હવે તેઓ પોતાના મૂળ તરફ પરત આવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા ખાસ તમિલ સંગમનું આયોજન કર્યું છે. તીર્થસ્થળ સોમનાથ ઉપર હુમલો કરી મહંમદ ગઝનીના સૈનિકોના શરીરમાં જાણે અસૂર પ્રવેશ થયો હોય તેમ બહેનો અને બાળકોને પણ મૂક્યાં નહીં. લોહી તરસી એમની તલવારો પ્રભાસ પાટણના નિર્દોષ, નિઃશસ્ત્ર રહેવાસીઓના ગળાં પર ઘાતક રીતે ફરવા લાગી. સંપત્તિ લૂંટવા આવેલા એ દળકટક સંસ્કૃતિને પણ ધ્વસ્ત કરવા બેતાબ હતા અને અહીંના લોકોની સંતતિને પણ રોળી રહ્યા હતા. સોમનાથ પર આક્રમણ કરવાની સાથે જ એમણે નરસંહાર આદર્યો અને આપણે ત્યાંથી હજારો લોકો,સેંકડો પરિવાર અહીં જે હતું તે અહીં જ છોડીને નાસવા લાગ્યા.ગઝની અને એ પછીના આક્રમણો વખતે પ્રભાસક્ષેત્ર કે પ્રભાસ પાટણ-સોમનાથથી આવી રીતે હજારો લોકો સ્થળાંતર કરીને જતા રહ્યા હતા. લગભગ એક હજાર વર્ષ સુધી વતનની સાથે, પોતાની ધરતી સાથે એમનો કોઈ જીવંત સંપર્ક નહીં. કોણ જાણે ક્યાં જતા રહ્યા એ લોકો... “ કોઈ ઐતિહાસિક નવલકથાનો અંશ હોય એવું લાગે. સારા દિગ્દર્શકને તો આમાં સરસ વેબ સિરિઝનો પ્લોટ પણ દેખાય. પરંતુ આપણો તો પ્રશ્ન એ છે કે, ક્યાં જતા રહ્યા એ લોકો ? કોઈ એમનું સરનામું આપે અને કહે કે, એ તો એ.....યને વસે છે ત્યાં દૂર ચેન્નઈમાં કે મદુરાઈમાં. તો માનવામાં આવે, દક્ષિણના આવાં કોઈ શહેરમાં કોઈ કાર્યક્રમ, કોઈ સ્નેહમિલન ચાલી રહ્યું છે, એમાં વાતો થઈ રહી છેઃ ક્યાં ભણે છે દીકરો ? સૌરાષ્ટ્ર હાઈસ્કુલમાં... અરે વાહ સરસ. તમે પછી આપણી સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સની મિટીંગમાં દેખાયા નહીં... આવી વાતો થતી હોય એમાં સૌરાષ્ટ્ર-સોરાષ્ટ્ર શબ્દ વારંવાર આવે પરંતુ જો એની ભાષા દક્ષિણ ભારતની હોય તો નવાઈ લાગે ને ! બોલીનો લહેકો થોડો સૌરાષ્ટ્રનો, સંસ્થાઓના નામની આગળ પણ સૌરાષ્ટ્ર અને વાતનું માધ્યમ દક્ષિણની ભાષા. ક્યાં એ સાઉથનું સ્ટેટ અને ક્યાં આ સૌરાષ્ટ્ર ? પરંતુ આવી દલીલમાં આગળ વધવા જેવું નથી કારણ કે, ખોટા આપણે જ પડીએ. સાચી વાત એ છે કે, સૌરાષ્ટ્રથી સેંકડો માઈલ દૂર, એક અલગ જ પ્રદેશમાં બીજું એક સૌરાષ્ટ્ર જીવી રહ્યું છે. શાસ્ત્રો, પુરાણો કે ગ્રંથોમાં જેને સૂર્યરાષ્ટ્ર, સૂરરાષ્ટ્ર, સુરાષ્ટ્ર કે સોરઠ કહેવાયું છે એ સૌરાષ્ટ્ર તામિલનાડુમાં ધબકે છે. થોડા દાયકા કે એકાદી સદી પહેલાં વેપાર અર્થે અહીંથી મદ્રાસ પહોંચીને વસી જનારા લોકોની આ વાત નથી. આ કહાની જુદી છે. આ એ સમુદાય છે જેમના મૂળિયાં સૌરાષ્ટ્રમાં-સોમનાથ, પ્રભાસ પાટણમાં છે. સદીઓથી તેઓ વસે છે દક્ષિણ ભારતમાં પરંતુ સૌરાષ્ટ્ર એમના હૈયે વસે છે. સૌરાષ્ટ્રમાંથી વિવિધ ધર્મની પ્રજાએ સ્થળાંતર કર્યાના તો અન્ય દાખલા હશે પરંતુ આટલા મોટા પાયે સામુહિક રીતે સ્થળાંતર કરનારો આ એક જ સમુદાય છે. આ લોકોની ઓળખ સૌરાષ્ટ્રીયન બ્રાહ્મણની છે અને મુખ્ય વ્યવસાય છે વણાટકામ-વીવીંગનો. એમનું એક નામ છે પટલુનકાર. ઈસવીસન 1024માં મહંમદ ગઝનીએ સોમનાથ પર આક્રમણ કર્યું. જીવ બચાવવા આ સમુદાય નાસ્યો. કેટલાક સોમનાથથી દરિયાઈ માર્ગે સ્તંભતિર્થ એટલે કે કેમ્બે અને ભૃગુતિર્થ એટલે કે ભરુચ સુધી ગયા. તો કેટલાકે તો પગપાળા જ પ્રભાસ પાટણની એ પુરાણ પ્રસિદ્ધ, પાવન ધરતી છોડી દીધી. એ પછી ઈસ 1300માં અલ્લાઉદ્દીન ખીલજીએ આક્રમણ કર્યું ત્યારે પણ જે પરિવારો ત્યાં સોમનાથમાં બચ્યા હતા એ લોકો સુરત તરફ ગયા. તામિલનાડુમાં સૌરાષ્ટ્રની સંસ્કૃતિની જ્યોત જલતી રાખનાર એડવોકેટ એસ. આર. શ્રીરામ શેખર આ આખી વાત વિસ્તૃત રીતે કરતાં કહે છે કે, અમે સોમનાથની આસપાસ રહેતા હતા. અમારું મૂળ કામ વીવીંગનું હતું. કપડાંની કારીગરીમાં અમારી માસ્ટરી હતી. મોગલ બાદશાહો-સુબાઓએ જે આક્રમણ કર્યાં તે એટલાં ભયાવહ હતા કે અમારે વતન છોડવું પડ્યું. એ સમયે એટલો નરસંહાર થયો હતો કે સોમનાથના દરિયા કિનારેથી કપાયેલા જનોઈના ટૂકડા મળ્યા એનું વજન અડધા ટન જેટલું હતું. 10 હજાર જેટલા લોકોના મૃત્યુ થયાં હતાં. લગભગ 5000 લોકોએ વતન છોડી દીધું. અમારા વડવાઓ નિઃશસ્ત્ર હતા એટલે વતન છોડીને નીકળી ગયા. સૌરાષ્ટ્રમાંથી પહેલાં દેવગીરી એટલે કે હાલના દૌલતાબાદ ગયા. રાજા કર્ણદેવને ત્યાં યાદવોએ આશ્રય આપ્યો હતો. ત્યાં અમારા પુર્વજોને પણ આશરો આપ્યો. ચાલતા ચાલતા મહારાષ્ટ્ર અને પછી વિજયનગર સામ્રાજ્ય તરીકે ઓળખાતા રાજ્યમાં પહોંચ્યા. ત્યાં રાજા કૃષ્ણદેવરાયએ વસવાટની સગવડ કરી આપી. સૌરાષ્ટ્રથી ગયેલા પરિવારો ત્યાં સ્થાયી થવા લાગ્યા. પૂજારી, પુરોહિત, કપડાં બનાવનાર અને વેપાર કરનાર એમ ચાર મુખ્ય હિસ્સાઓમાં તેઓ વહેંચાઈ ગયા. થોડા લડવૈયાઓ પણ એમાં હતા. મહારાષ્ટ્રથી દક્ષિણમાં ગયા અને પછી તો તિરુનવેલી, સેલમ, બેંગ્લોર, મદુરાઈ, કાંજીપુરમ, પરમકુટિ, યમુનેશ્વરમ સહિતના વિસ્તારમાં ફેલાઈ ગયા. શ્રીરામ શેખર કહે છે, સૌરાષ્ટ્રના સોમનાથમાં બ્રાહ્મણોના અમારાં 65 ગૌત્ર હતાં એમાંથી અત્યારે 5 છે. બાકીના સાઇઠ ક્યાં ગયા, એ સવાલો જવાબ અમે છીએ. અમારા વડીલો અહીં આવીને વસ્યા. એમનું મુખ્ય કામ વીવીંગનું. આ લોકો વણાટકામનો કસબ એમની સાથે લઈ ગયા હતા. કાંજીવરમ સાડી આજે પણ વખણાય છે અને એ સાડીનું કામ કરે છે એ સમુદાય એટલે આ સૌરાષ્ટ્રીયન બ્રાહ્મણો. પૌરાણિક સંદર્ભ તો એવો છે કે, આ મૂળ સૌરાષ્ટ્રના ગણાતા લોકો બ્રહ્માના માનસપુત્ર તંતુવર્ધન અને સૂર્યની માનસપુત્રી કુસુમાકેલીકાના વંશજ છે. ગિરનારા બ્રાહ્મણની સાથે એમનો સંબંધ છે. સો વર્ષ મહારાષ્ટ્રમાં રહ્યા પછી મદુરાઈના રાજાના નિમંત્રણથી આ સમૂહ તામિલનાડુમાં સ્થાયી થયો. આપણને થાય કે સો-બસો પરિવાર હવે ત્યાં હશે, શ્રી રામ શેખર કહે છે, સૌરાષ્ટ્રીયનની વસતી દક્ષિણ ભારતમાં 24 લાખ છે. ઈ.સ. 1620ની એક ઘટના પણ નોંધપાત્ર છે. સૌરાષ્ટ્રીયન સમુદાય પોતાને બ્રાહ્મણ તરીકે ઓળખાવે એનો તામિલ બ્રાહ્મણોએ વિરોધ કર્યો. સૌરાષ્ટ્ર સમુદાયના બ્રાહ્મણો...