ગત વર્ષે 17822 સામે આ વર્ષે 24243 હેકટરમાં વાવેતર : સૌથી વધુ તલ અને બાજરીના પાકનું વાવેતર થયું મોરબી : મોરબી જિલ્લામાં આ વર્ષે ઉનાળુ પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. જેમાં ગત વર્ષની તુલનાએ આ વર્ષે ઉનાળુ પાકનું વાવેતર વધ્યું છે અને જિલ્લામાં બાજરી અને તલના પાકનું વાવેતર મોખરે રહ્યું છે. એટલે આ વર્ષે ઉનાળુ પાકમાં તલ અને બાજરીનું સૌથી વધુ વાવેતર થયું છે. ઘણા ખરા ખેડૂતોને સિંચાઇની સુવિધા મળતા ખેડૂતોએ હોંશે હોંશે ઉનાળુ પાકનું મોટાપાયે વાવેતર કર્યું છે. મોરબી જિલ્લામાં ગત વર્ષે 17822 હેકટરમાં ઉનાળુ પાકનું વેવતર થયું હતું. એની સામે આ વર્ષે મોરબી જિલ્લામાં 24243 હેકટરમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે. એટલે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે મોરબી જિલ્લામા 6421 હેકટરમાં ઉનાળુ પાકનું વાવેતર વધ્યું છે. જિલ્લામાં સૌથી વધુ તલનું 13233 હેકટરમાં અને બીજા ક્રમે બાજરીનું 2450 હેકટરમાં વાવેતર થયું છે ગત વર્ષે તલનું 4590 હેકટરમાં વાવેતર થયું છે અને આ વર્ષે તલનું 13233 હેકટરમાં વાવેતર થતા ગત વર્ષ કરતા આ વર્ષે દોઢ. ગણું વાવેતર વધ્યું છે. ઉપરાંત મગફળીનું 525 હેકટર, શાકભાજીનું 280 હેકટર અને ઘાસચારાનું 6550 હેકટરમાં તેમજ ગમ ગુવારનું 1205 હેકટરમાં વાવેતર થયું છે. જિલ્લામાં સૌથી વધુ હળવદ તાલુકામાં 12625 હેકટરમાં વાવેતર થયું છે. જિલ્લામાં હળવદ તાલુકો સૌથી વધુ પિયત ધરાવતો હોવાથી આ વખતે પણ વધુ વાવેતરમાં હળવદ તાલુકો મેદાન મારી ગયો છે. આ ઉપરાંત માળિયામાં સૌથી ઓછું 922 હેકટર, મોરબીમાં 7100 હેકટર, ટંકારામાં 1228, વાંકાનેરમાં 2341 હેકટરમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે.