મોરબી : મોરબી તાલુકાના વનાળીયા ગામે જિલ્લા કલેકટરની સૂચના બાદ તાત્કાલિક આંગણવાડીમાં પેવર બ્લોક નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને પેવર બ્લોક નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મહત્વનું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાત રાજ્યમાં સુશાસનની વિભાવના સાકાર કરવા માટે આપેલા માર્ગદર્શન અન્વયે ગત 28 ડિસેમ્બરના રોજ મોરબી તાલુકાના વનાળીયા ગામે મોરબી જિલ્લા કલેકટર જી. ટી. પંડ્યાના અધ્યક્ષ સ્થાને રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાત્રી સભામાં વનાળીયા ગામના સરપંચે આંગણવાડીમાં પેવર બ્લોક નાખી આપવાની રજૂઆત કરતા જિલ્લા કલેકટરે તાત્કાલિક આ કામોના એસ્ટીમેટ બનાવી રજૂ કરવા જણાવ્યું હતુ. આ જાહેરાતના ત્રણ મહિનાની અંદર જ આંગણવાડીમાં પેવર બ્લોક નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આમ જિલ્લા કલેકટરે સરકારના રાત્રી સભાના ઉદ્દેશોને પરિપૂર્ણ કરતું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.