નવી જંત્રીના અમલ પહેલાં બિનખેતીની અરજીઓ અંગે નામદાર કોર્ટના આદેશને પગલે તંત્ર દોડતું : સરકાર અપીલમાં મોરબી : આગામી 15મી એપ્રિલે નવા જંત્રી દર અમલી બને તે પહેલાં રાજયભરમાં ખેતીલાયક જમીનના દરજ્જાને બિનખેતીમાં ફેરવવા માટે જેટલી પણ અરજીઓ પડતર છે. તેની પર ત્રણ દિવસમાં એટલે કે, 13 એપ્રિલ સુધીમાં નિર્ણય લેવા ગુજરાત હાઇકોર્ટે એક અતિ મહત્ત્વના આદેશ મારફતે રાજયના તમામ જિલ્લા કલેકટરોને ફરમાન કર્યું છે.બીજી તરફ ત્રણ દિવસના સમયગાળામાં કામગીરી શક્ય ન હોય રાજ્ય સરકાર દ્વારા અપીલ કરી દેવામાં આવી છે અને તાત્કાલિક સુનાવણીની માંગ કરી હોવાનું જાણવા મળે છે. ગુજરાતી જાગરણના અહેવાલ મુજબ એક અરજદારે તેની ખેતીલાયક જમીનનો દરજ્જો બિનખેતીમાં ફેરવવા માટે ખેડા જિલ્લાના કલેક્ટર સમક્ષ અરજી કરેલી છે. પરંતુ તે લાંબા સમયથી પડતર છે. જેથી બિનખેતીમાં ફેરવવા માટે હાઇકોર્ટે આદેશ કરવો જોઇએ. આ સમયે સરકારની રજૂઆત હતી કે અરજદારની અરજીમાં કેટલીક ખામીઓ છે. જેથી, હાઈકોર્ટે તેને નવી અરજી કરવાનિર્દેશ આપ્યો હતો. જેને પગલે અરજદારે તા.9-4-2023ના રોજ ફરીથી નવી અરજી કરી હતી પરંતુ સત્તાવાળાઓ તરફથી ફરી એકવાર તેની અરજીમાં વાંધા કાઢવામાં આવ્યા હતા. જેથી હાઇકોર્ટે સરકારને માર્મિક ટકોર કરી હતી કે, તા.15 એપ્રિલથી નવા જંત્રી દર અમલમાં આવી રહ્યા છે. કલેક્ટર ઓફિસ આ પ્રકારની અરજીઓ પર નિર્ણય નહીં લઈને સત્તાવાળાઓ શું અરજદાર પાસેથી વધુ પૈસા વસુલવાની તજવીજમાં છે. શું રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટરને આ પ્રકારની સુચનાઓ આપવામાં આવેલી છે કે કેમ..? આવી ટકોર બાદ હાઇકોર્ટે તમામ જિલ્લા કલેકટરોને એનએની અરજીઓ પર તા.13મી એપ્રિલ સુધીમાં કાર્યવાહી કરવા સ્પષ્ટ હુકમ કર્યો હતો. હાઇકોર્ટના હુકમને પગલે હવે રાજયના તમામ જિલ્લા કલેકટરો કલેકટર કચેરીમાં એનએની પેન્ડીંગ ફાઇલો કલીયર કરવા કામે લાગ્યા છે. માત્ર ત્રણ જ દિવસમાં ટૂંકી મુદતમાં એનએની ફાઇલો કલીયર કરવી અશકય હોઇ ત્યારે કલેકટરોએ હવે રાતવાસો કરીને પણ આ કામગીરીને જેટલું પૂર્ણ થઇ શકે એમ હોય તેટલી કામગીરી પૂર્ણ કરવાના પ્રયાસ હાથ ધર્યા છે. હાઇકોર્ટના આદેશને પગલે સરકારે પણ હાલ તમામ કલેકટરોને એનએની ફાઇલો પ્રોસેસ કરવા સ્પષ્ટ સૂચના જારી કરી દીધી છે. માત્ર ત્રણ જ દિવસમાં રાજયભરની પડતર તમામ એનએ અરજીઓ તમામ કલેકટર્સ દ્વારા નિર્ણય લેવાનું પ્રેકટીકલી પણ શકય નહી હોવાથી રાજય સરકાર સીંગલ જજના ચુકાદા સામે તાબડતોબ અપીલ ફાઇલ કરવાની તજવીજ હાથ ધરી છે. સરકાર દ્વારા અપીલ મુદ્દે આજે હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ મેન્શનીંગ પણ કરાયું હતુ અને તાત્કાલિક સુનાવણી કરવાની વિનંતી પણ કરવામાં આવી હતી. અપીલમાં એવા બચાવ લઇ શકાય એમ છે કે, કાયદાકીય જોગવાઇ મુજબ, કોઇપણ એનએની અરજી હોય તેમાં 90 દિવસની સમયમર્યાદામાં નિર્ણય લેવાનો હોય છે. એટલું જ નહી, એનએની પરમીશન વખતે જુદી જુદી 18 ઓથોરીટીની મંજૂરી લેવી પડે તે સહિતની અન્ય પ્રક્રિયાઓનું અનુસરણ કરવાનું હોય છે અને તેથી આ બધી પ્રક્રિયાઓમાં સ્વાભાવિક જ સમય જતોહોય છે. તેથી માત્ર ત્રણ દિવસમાં એનએની અરજીઓ પર નિર્ણય લઇ લેવો કોઇપણ રીતે શકય નહી હોવાથી સરકાર અપીલમાં જઇ સીંગલ જજના હુકમને સ્ટે કરાવવા અને તેને રદબાતલ ઠરાવવા દાદ માંગશે.