ઘરેલુ પાઈપલાઈન ગેસના ભાવમાં પણ રૂપિયા 4 જેટલો ઘટાડો કરતા ગૃહિણીઓને રાહત મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા ગઈકાલે નેચરલ ગેસના ભાવ માટે નવી પોલિસી અમલી બનાવી દર મહિને ગેસના ભાવમાં પરિવર્તન કરવા નક્કી કરી ગેસના ભાવમાં ઘટાડાના સંકેત આપ્યા બાદ આજે ગુજરાત ગેસ કંપની દ્વારા વાહન વપરાશના સીએનજી ગેસમાં રૂપિયા છ અને ઘર વપરાશના ગેસના ભાવમાં રૂપિયા 4થી વધુનો ઘટાડો કર્યો છે, જો કે, ગેસ કંપની દ્વારા સિરામીક ઈન્ડસ્ટ્રીઝમાં વપરાશમાં લેવાતા પાઈપલાઈન નેચરલ ગેસની કિંમતમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે કુદરતી ગેસના ભાવ દર છ મહિને નક્કી કરવાની પદ્ધતિમાં બદલાવ લાવી હવે દર મહિને ગેસના ભાવ નક્કી કરવાની જાહેરાત કરી નેચરલ ગેસના ભાવમાં 10 ટકા જેટલા ઘટાડાના નિર્દેશ આપ્યા બાદ ગુજરાત સરકારના આધિપત્ય વાળી ગુજરાત ગેસ કંપની દ્વારા આજથી વાહન વપરાશમાં આવતા સીએનજી અને ઘર વપરાશમાં આવતા પીએનજી ગેસના ભાવમાં ધરખમ ફેરફાર કર્યા છે. મોરબી ગુજરાત ગેસ કંપનીના અધિકારી સંતોષ ઝોપેન જણાવ્યા મુજબ આજથી ગુજરાત ગેસ કંપની દ્વારા વાહનમાં વપરાશમાં લેવામાં આવતા ગેસના ભાવ ઘટાડીને રૂ.72.26 પૈસા કર્યા છે જયારે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવામાં આવતા પીએનજી ગેસના ભાવ ઘટાડીને રૂ.49 જીએસટી સાથે કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, ગેસના ભાવમાં ઘટાડાથી વાહન ચાલકોને અને ગૃહિણીઓને અનુક્રમે રૂપિયા 4થી 6 સુધીનો ફાયદો થયો છે.