મોરબી : મોરબીનુ જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા સહિતના વિભાગો મોરબીના ઐતિહાસિક રાજાશાહી વખતના વારસાને જાળવવામાં ઊણા ઉતરી રહ્યા છે. તેવા સમયે જ નગર દરવાજાને અડોઅડ આવેલ એક જૂની ઇમારત વેચાઈ ગયા બાદ હવે અહીં વિશાળ બિલ્ડીંગ બનાવવા જૂનું બાંધકામ તોડી નાંખતા તોડફોડ દરમિયાન નગરદરવાજાની કાંધીની દીવાલમાંથી એક રાજાશાહી સમયની તોપ મળી આવી હોવાનું સામે આવ્યું છે, જો કે આવી ઐતિહાસિક ચીજો મળી આવ્યે પુરાતત્વ વિભાગને જાણ કરવા તજવીજ હાથ ધરાઇ છે. મોરબીના ભવ્યાતિભવ્ય રજવાડી શાસનની યાદ અપાવતા અને હોનારત તેમજ ભૂકંપનો માર જીલ્યા બાદ પણ અડીખમ ઉભેલા મોરબીની આન, બાન અને શાન સમાન નહેરૂગેઈટ એટલે કે નગર દરવાજાનું અસ્તિત્વ હવે ધીમે-ધીમે જોખમાઈ રહ્યું છે, ત્યારે નગર દરવાજાની કાંધીમાં ડાબી બાજુએ આવેલ જુનવાણી મિલ્કત તોડવામાં આવતા નગરદરવાજાની કાંધીમાંથી ઐતિહાસિક તોપ નીકળી આવી છે.