એલન મસ્કે ટ્વિટરનો લોગો બદલ્યો, વેબસાઇટ વર્ઝનમાં ફેરફાર કરાયો : મોબાઈલ એપમાં કોઈ ચેન્જ થયો નથી મોરબી : દેશ દુનિયામાં બનતી કોઈપણ ઘટનાની પળવારમાં જાણકારી આપવા માટે જાણીતી સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટરને અધીગ્રહણ કર્યા બાદ એલન મસ્કે ટ્વિટરનો લોગો બદલ્યો છે, વર્ષોથી ટ્વિટર એટલે વાદળી કલરની ઊડતી ચકલીનો લોગો લોકોના મનમાં છવાઈ ગયો છે ત્યારે એલન મસ્કે ચકલીને ઉડાડી દઈ ચકલીના સ્થાને કૂતરાનો લોગો ટ્વિટરની ઓળખ તરીકે સ્થાપિત કર્યો છે. એલન મસ્કે ગઈકાલે મંગળવારે ટ્વિટરનો લોગો બદલી નાખ્યો છે. હવે વેબસાઈટ વર્ઝનમાં વાદળી ચકલીની જગ્યાએ ડોગ જોવા મળી રહ્યો છે. આ ડોગ ક્રિપ્ટોકરન્સી મીમ કોઈન ડોજકોઈન જેવો જ છે જેને ઈલોન મસ્ક અનેકવાર પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી એલન મસ્ક ટ્વિટરના માલિક બન્યા છે ત્યારથી તેમને અનેક મોટાપાયે ફેરફારો કર્યા છે. પહેલા તેમણે બ્લૂ ટિક માટે સબ્સક્રિપ્શન સેવા શરૂ કરી હતી અને હવે તેમણે ટ્વિટરનો લોગો બદલી નાખ્યો છે. ટ્વિટર યૂઝર્સે સોમવારે ટ્વિટરની વેબ એડિશન પર ડોગનો મીમ જોયો હતો જે ડોજકોઈન બ્લોકચેઈન અને ક્રિપ્ટોકરન્સીના લોગોનો ભાગ છે અને 2013માં મીમ કોઇનની શરૂઆત થઇ હતી. મસ્કે તેમના એકાઉન્ટ પર એક ખુશ કરતી પોસ્ટ પણ શેર કરી જેમાં કારમાં ડોજ મીમ(જેમાં શિબા ઈનુનો ચહેરો જોવા મળે છે) અને પોલીસ અધિકારી, જે તેના ડ્રાઇવિંગ લાઈસન્સને જુએ છે તેવું બતાવે છે કે તેનો ફોટો જ બદલાઈ ગયો છે. જો કે, ટ્વિટરની મોબાઈલ એપમાં હાલ કોઈ ફેરફાર કરાયો નથી. ઉલ્લેખનીય છે કે એલન મસ્કે 44 અબજ અમેરિકી ડૉલરમાં ટ્વિટરનું અધિગ્રહણ કર્યું હતું.