માળીયા તાલુકાના તરઘરી, મોટા દહિસરા, પીપળીયા ચાર રસ્તા અને મોરબી શહેરમાં પણ ધડાકા સાથે ધ્રુજારી અનુભવાઈ મોરબી : આજે સવારે સાડા નવેક વાગ્યાના અરસામાં મોરબી જિલ્લામાં ઉપરાઉપરી બે ભેદી ધડાકા સંભળાવાની સાથે લોકોએ ધ્રુજારી પણ અનુભવતા લોકોમાં કુતુહલ સાથે ગભરાટ ફેલાયો હતો. જો કે, મોરબી ડિઝાસ્ટર મેન્જમેન્ટ વિભાગે પણ આ વાતને સમર્થન આપી કારણ અંગે અજાણ હોવાનું જણાવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારના સાડા નવેક વાગ્યાના અરસામાં મોરબી જિલ્લાના અનેક વિસ્તારમાં બે ભેદી અને પ્રચંડ ધડાકા થવાની સાથે ધરતી ધણધણી હતી, પીપળીયા ચાર રસ્તે ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતા તેજશભાઈ કારેણાએ આ બાબતની માહિતી મોરબી અપડેટને આપ્યા બાદ માળીયા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠોડે પણ ઉપર ઉપરી બે ધડાકા થયા હોવાનું અને ધ્રુજારી અનુભવાતાં તેઓ ઓફિસ બહાર દોડી આવ્યાનું જણાવ્યું હતું. બીજી તરફ માળીયા તાલુકાના તરઘરી ગામના સરપંચ સાગરભાઈ ફૂલતરીયાએ પણ જણાવ્યું હતું કે તરઘરી ગામમાં પણ એકદમ ધ્રુજારી અનુભવવાની સાથે પ્રચંડ ધડાકા સંભળાયા હતા. જો કે, તેઓએ ઉમેર્યું હતું કે ગામની આજુબાજુમાં મોટાકામ પણ ક્યાંય ચાલુ ન હોવા છતાં ધ્રુજારી સાથે ધડાકા થતા અનેક લોકોના મકાન પણ ધ્રુજી ઉઠ્યા હોવાનું તેમને ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે મોરબી શહેરમાં પણ અનેક જગ્યાએ ધ્રુજારી સાથે ધડાકા સંભળાતા આ મામલે મોરબી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારી અમરીનખાનનો સંપર્ક સાધતા તેમની પાસે આ બાબતે કોઈ સત્તાવાર જાણકારી જ હોવાનું જણાવ્યું હતું.