વસીફાટકથી રેલ્વેસ્ટેશન તરફ જતા રોડ પાસે ઇંડાની લારી નજીક બનેલી ઘટનામાં અજાણ્યા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ મોરબી : ઉત્તરપ્રદેશથી રોજી રોટી મેળવવા મોરબી આવેલા યુવાને મોરબીના રેલવે સ્ટેશન નજીક ઈંડાની લારીએ ખાવાનું માંગતા મહિલાએ છણકો કરી ને ના પાડતા યુવાને આવું વર્તન નહિ કરવાનું ક્હેતા ઈંડાની લારીએ હાજર એક અજાણ્યા શખ્સે આ યુવાનને છરીનો ઘા ઝીકી દેતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે ઉત્તરપ્રદેશના હરદોઇ જિલ્લાના શાંતિનગરના રહેવાસી રમેશકુમાર ખુર્રમ યોગી નામના યુવાને સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અંદાજે 30થી 35 વર્ષના અજાણ્યા યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તા.1 એપ્રિલના રોજ પોતે વસીફાટકથી રેલ્વેસ્ટેશન તરફ જતા રોડ પાસે ઇંડાની લારીએ ગયો હતો અને એક મહિલા પાસે ખાવાનું માંગ્યું હતું જેથી મહિલાએ છણકો કરીને ના પાડતા રમેશકુમાર ખુર્રમ યોગીએ આવું વર્તન નહીં કરવા જણાવતા લારી પાસે હાજર રહેલ એક અજાણ્યો 30થી 35 વર્ષનો ઈસમ ઉશ્કેરાઈ ગયો હતો અને પેન્ટના નેફામાંથી છરી કાઢી છરીનો ઘા મારી દીધો હતો. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.