મોરબી : મોરબી તાલુકાના આંદરણા ગામના વતની ફૌજી જવાન ભારતીય આર્મીમાં પોતાની ફરજ પૂર્ણ કરીને સેવા નિવૃત થતા માદરે વતન પરત ફરેલા ફૌજી જવાનનું દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મોરબી તાલુકાના આંદરણા ગામના સંજયભાઈ બાબુલાલ મારવણીયાએ ભારતીય સેનામાં 20 વર્ષ સુધી માં ભારતીની સેવા કરી નિવૃત્ત થઈને પોતાના માદરે વતન પરત ફર્યા હતા ત્યારે પોતાના વતનમાં તેઓનું દેશભક્તિ સભર વાતાવરણમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. આર્મી જવાનના સ્વાગત માટે સમગ્ર ગામ ઉમટી પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સંજયભાઈ મારવણીયા પોતાની ફરજ દરમિયાન દેશના અલગ અલગ વિસ્તારો જેવા કે લેહ લદાખ, જમ્મુ કાશ્મીર, દિલ્હી, ભટિંડા, અરુણાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ જેવા ભારત વર્ષના વિસ્તારોમાં પોતે બજાવેલી ફરજોનું સંસ્મરણ કર્યું હતું. આ તકે સંજયભાઈ મારવણીયાના સગા સંબંધીઓ, મિત્રો, અને આત્મીયજનો તેઓને શુભેચ્છા આપવા માટે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.