હેલ્થ પરમીટ ધારકોની સંખ્યામાં 50 ટકાનું ગાબડું મોરબી : આરોગ્યના કારણોસર ગાંધીના ગુજરાતમા દારૂ સેવન માટે હેલ્થ પરમીટ આપવામાં આવે છે પરંતુ પાછલા વર્ષમાં પરમીટ કાઢવાની ફી અને વહીવટ પાંચથી છ આકડામાં જતો રહેતા હાલના દારૂ પીવાની પરમીટ ધરવતા લોકોની સંખ્યામાં 50 ટકાનું ગાબડું પડ્યું છે, જો કે આમ છતાં મોરબીની ચારેક હોટલોએ વાઇનશોપ શરૂ કરવા પરમિશન માંગી છે. સંદેશ દૈનિકના અહેવાલ મુજબ રાજકોટ અને મોરબી જિલ્લો એક હતા ત્યારે વાઇન શોપની સંખ્યા ઓછી હતી અને પરમીટની સંખ્યા વધુ હતી. જ્યારે હવે રાજકોટ અને મોરબી જિલ્લા વચ્ચે હાલમાં 9 વાઇન શોપ થઇ ગઇ છે.બીજી તરફ વાઇનશોપ વધવાની સામે પરમીટ ધારકોની સંખ્યામાં 50 ટકા કરતા પણ વધુનું ગાબડુ પડી ગયું છે. જેના કારણે વાઇન શોપ શરૂ કરવા મોટું આંધણ કરનારા હોટલ માલિકોને ધંધો મળવા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. જો કે, પરમીટ ઘટવા છતાં હવે પણ બે જિલ્લામાં નવી પાંચ વાઇન શોપ શરૂ કરવાની દરખાસ્ત થયાનું જાણવા મળે છે. વધુમાં અહેવાલમાં જણાવાયું છે કે, રાજકોટ અને મોરબી જિલ્લામાં અગાઉ 6000 કરતા વધુ હેલ્થ પરમીટો હતી જે હાલમાં ઘટીને 2500થી 3000 જેટલી થઇ ગઇ છે. જેની સામે અગાઉ રાજકોટ જિલ્લામાં ઢેબર રોડ પરની ફોરેન વાઇન ટ્રેડ, હોટલ ઇમ્પીરીયલ પેલેસ, હોટલ કે.કે.ઇન્ટરનેશનલ એમ ત્રણ જ વાઇન શોપનું ઓપ્શન ખરીદારો પાસે હતું. ત્યારબાદ સમયાંતરે ફર્ન હોટલ, મવડી મેઇન રોડ પર ફોર્ચ્યુન હોટલ, આરપીજે, સયાજી હોટલ, ગોંડલમાં ઓર્ચિડ પેલેસ હોટલ અને મોરબીમાં વૈભવ હોટલને વાઈન શોપ માટે લાયસન્સ ઇસ્યૂ કરાયા હતા. જો કે હાલમાં મોરબીની ચાર અને રાજકોટની એક હોટલે નવી વાઇન શોપ માટે નશાબંધી અને આબકારી શાખા સમક્ષ દરખાસ્ત કરી છે. જેમાં મોરબીના દરિયાલાલ રિસોર્ટસ, ખજૂરા રિસોર્ટ, ઓકટ્રી હોટલ્સ સહિત ચાર હોટલે દરખાસ્ત કરી છે. તેમજ રાજકોટમાં ક્રિષ્ના હોટલ દ્વારા વાઇન શોપ માટે અરજી કરવામાં આવી છે. મોરબીમાં થોડા સમય પહેલા બે હોટલની વાઇન શોપની અરજી રીજેક્ટ થયાનું પણ જાણવા મળે છે.