મોરબી: મોરબી સમસ્ત જૈન સંઘ દ્વારા તારીખ 4 એપ્રિલ ને મંગળવારના રોજ ભગવાન મહાવીરના 2621માં જન્મ કલ્યાણક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. દીક્ષા દાનેશ્વરી ગુણરત્નસુરીજીના શિષ્ય રશ્મિરત્નસુરીજી તથા મોરબી સંઘમાં બિરાજિત સર્વે સાધુ-સાધ્વીજી, ભગવંતો તથા મહાસતીજીઓની નિશ્રામાં ભગવાન મહાવીરના 2621માં જન્મ કલ્યાણક દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી થશે. ચાંદીના રથમાં ભગવાન મહાવીર સ્વામીને બિરાજમાન કરી રથયાત્રા મોરબીના રાજમાર્ગો પરથી પસાર થશે. શોભાયાત્રામાં ઠેર ઠેર મહાવીર પ્રસાદી દ્વારા મોં મીઠું કરાવવામાં આવશે. આ ઉપરાંત અનેક આકર્ષણો શોભાયાત્રામાં રહેશે. શોભાયાત્રા સવારે 8-30 વાગ્યે ધર્મનાથ જૈન દેરાસરથી નીકળી બોયઝ હાઈસ્કૂલમાં સમાપન થશે. ત્યારબાદ જૈનાચાર્ય રશ્મિરત્નસુરીજીની નિશ્રામાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 'એક જનમ્યો રાજ દુલારો' તથા 'ભગવાન મહાવીરની વિરલ વાતો' વિષય ઉપર અદભુત પ્રવચન આપવામાં આવશે.