નવેક મહિના પહેલા થયેલ ઝઘડાનો ખાર રાખી હુમલો કરાતા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના લાલબાગ નજીક આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં બેઠેલા વનરાજસિંહ નામના વૃદ્ધને નવેક મહિના પહેલા થયેલ ઝઘડાનો ખાર રાખી આરોપી ગિરિરાજસિંહે બેઝબોલનો ધોકો ફટકારી દેતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી વેજીટેબલ રોડ ઉપર આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા વનરાજસિંહ ભૂપતસિંહ ઝાલા ઉ.61 નામના વૃદ્ધ લાલબાગ નજીક આવેલા સિદ્ધેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં બેઠા હતા ત્યારે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં જ રહેતા આરોપી ગિરિરાજસિંહ કનકસિંહ જાડેજા ત્યાં બેઝબોલનો ધોકો લઈને આવ્યા હતા અને વનરાજસિંહને કહ્યું હતું કે, નવેક મહિના પહેલા મારા બાપુજી સાથે કેમ ઝઘડો કર્યો હતો તેમ કહી બોલાચાલી કરી ગાળો આપી ઢીકા પાટુનો માર મારી માથામાં બેઝબોલનો ધોકો ફટકારી દેતા ઈજાગ્રસ્ત વનરાજસિંહને સારવાર માટે સમર્પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે વનરાજસિંહે ગિરિરાજસિંહ વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.