અવની રોડ ઉપર છેલ્લા ત્રણ ચાર દિવસથી દૂધની કોથળી મૂકી ગુમ થતા યુવાનની હરક્તથી સોસાયટીના રહીશો અચંબિત, સીસીટીવીમા યુવાન કેદ મોરબી : દુધના ભાવ આસમાને આંબી. રહયા છે છતાં મોરબીમા એક એવો દૂધ પ્રેમી છે દરરોજ અલગ અલગ સોસાયટીમાં દૂધની કોથળીઓ મૂકી પલાયન થઈ જાય છે, દૂધ પ્રેમીની આ હરક્તથી અનેક સોસાયટીના રહીશો અચંબિત બન્યા છે અને સીસીટીવી ફુટેજના આધારે યુવાનને શોધવા પ્રયત્નશીલ બન્યા છે. આજના સમયમાં મફતમાં છાસ પણ મળતી નથી ત્યારે મોરબીના અવની રોડ ઉપર આવેલી શક્તિપાર્ક સોસાયટી, જય અંબે સોસાયટી, અમૃત વાટિકા સોસાયટીમાં કોઈ અજાણ્યો યુવાન દરરોજ દૂધ ભરેલી કોથળીઓ મૂકી પલાયન થઈ જાય છે. ખાસ કરીને સવારે 10.30થી 11 વાગ્યાના અરસામાં જ અવની રોડ ઉપરની વિવિધ સોસાયટીમાં છેલ્લા ચારેક દિવસથી આ દૂધ મૂકી જવાની ઘટના બની રહી હોય સ્થાનિક રહેવાસીઓ અચંબિત બની શા માટે આ યુવાન દૂધ મૂકી જતો રહે છે તેની તપાસ માટે સીસીટીવી ફુટેજની મદદ લેતા એક અજાણ્યો યુવાન સીસીટીવી ફુટેજમાં દૂધની કોથળીઓ મૂકી જતો જોવા મળી રહયો છે. જો કે, દરરોજ દસ લીટર કે તેથી વધુ જથ્થામાં આ દૂધ મૂકી જવા પાછળનું કારણ સોસાયટીના રહેવાસીઓને ગળે ઉતરતું નથી અને ખાસ તો આ ભેળસેળ યુક્ત દૂધ છે કે પછી આ દૂધ પ્રેમીનો બીજો કોઈ ઈરાદો છે તે જાણવા હાલ તો સ્થાનિક સોસાયટીના રહેવાસીઓ ધંધે લાગ્યા છે.