મોરબી : મોરબીના ઝુલાતપુલ કેસમાં ઓરવા કંપનીના એમડી જયસુખ પટેલે રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. આ જામીન અરજીની આજે સુનાવણી દરમિયાન કોર્ટમાં બંને પક્ષોએ ધારદાર દલીલો કરી હતી. કોર્ટે બન્ને પક્ષના વકીલોની દલીલ સાંભળીને આ જામીન અરજીનો 1 એપ્રિલે ચુકાદો જાહેર કરવાનું ઠેરવ્યું છે. મોરબી ઝુલાતપુલ કેસમાં આજે જ્યંસુખ પટેલની જામીન અરજીની કોર્ટમાં સુનાવણી દરમિયાન બન્ને પક્ષના વકીલોએ ધારદાર દલીલો કરી હતી.જેમાં જયસુખ પટેલના વકીલ ઋતુરાજ નાણાવટીએ આ કેસમાં સાપરાધ મનુષ્યવધની કલમ ખોટી રીતે લગાવાઈ હોવાનું અને જયસુખ પટેલ મોરબીના પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય માત્ર સેવાના ઇરાદે જ ઐતિહાસિક ઝૂલતા પુલ લોકો માટે ખુલ્લો રહે તે માટે સંચાલન સાંભળ્યું હોવાની જોરદાર દલીલો કરી હતી, સામે પક્ષે સરકારી વકીલ એસ.કે.વોરાએ જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે આજે જ્યારે ઓરેવાએ હાઇકોર્ટમાં જવાબદારી સ્વીકારી કરોડો રૂપિયા વળતર પણ ચૂકવ્યુ છે અને અગાઉ પેટા કોન્ટ્રાકટર જેવા આરોપીઓને પણ કોર્ટે જામીન આપ્યા નથી ત્યારે જયસુખ પટેલ મુખ્ય આરોપી હોય જામીન ન આપવા દલીલ કરી હતી. કોર્ટે બન્ને પક્ષના વકીલોની દલીલો સાંભળીને આ જામીન અરજીનો ચુકાદો 1 એપ્રિલે જાહેર કરવાનું જણાવ્યું છે.