આગામી 11 એપ્રિલ પહેલા વળતરનો બીજો હિસ્સો પણ ચૂકવી દેશે, ઓરેવાની હાઇકોર્ટને ખાતરી મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આજે ઓરેવા ગ્રૂપે દુર્ઘટના પીડિતો માટે વચગાળાના વળતરની રકમના 50 ટકા જમા કરાવ્યા છે, એમ સોમવારે ગુજરાત હાઈકોર્ટને જણાવવામાં આવ્યું હતું. ઓરેવા કંપનીએ કાર્યકારી ચીફ જસ્ટિસ એ જે દેસાઈ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ડિવિઝન બેંચને જણાવ્યું હતું કે પ્રથમ હપ્તો (કુલ રકમના 50 ટકા) 14 માર્ચે જમા કરવામાં આવ્યો હતો અને બાકીની રકમ 11 એપ્રિલ અથવા તે પહેલાં ચૂકવવામાં આવશે. 30 ઓક્ટોબર 2022ના રોજ ઓરેવા ગ્રૂપ (અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ) સંચાલિત ઝૂલતો પુલ તૂટી પડતા 135 લોકોના મોત થયા હતા અને 56 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. નામદાર હાઈકોર્ટ દ્વારા આ દુર્ઘટના મામલે દાખલ કરેલ સુઓમોટો રિટની સુનાવણી દરમિયાન આજે સોમવારે, ઓરેવા ગ્રૂપની એફિડેવિટ રેકોર્ડ પર લીધી હતી અને કંપનીને બાકીની રકમ જમા કરવા માટે સમય આપ્યો હતો. આ મામલાની વધુ સુનાવણી 18 એપ્રિલે રાખવામાં આવી છે. હાલમાં ઓરેવા કંપનીના મેનેજીંગ ડિરેકટર જયસુખ પટેલ ન્યાયિક કસ્ટડીમાં છે, નોંધનીય છે કે, ઓરેવા કંપનીએ વચગાળાના વળતર તરીકે 135 મૃતકોના દરેક પરિવારને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 1 લાખ રૂપિયા આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, નામદાર હાઈકોર્ટે 22 ફેબ્રુઆરીએ કંપનીને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ટાંકીને અનુક્રમે રૂ. 10 લાખ અને રૂ. 2 લાખની રકમ બમણી કરવાનો નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે ઓરેવા ગ્રૂપ દ્વારા જમા કરવામાં આવેલી અડધી રકમ દાવેદારોને તેમના બેંક ખાતામાં તરત જ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જ્યારે બાકીની રકમ રાષ્ટ્રીયકૃત બેંકમાં સંચિત ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવામાં આવશે. નોંધનીય છે કે, રાજ્ય સરકારે 8 લાખ રૂપિયા અને કેન્દ્ર સરકારે દરેક મૃતકોને 2 લાખ રૂપિયા વળતર ચૂકવ્યું હતું, જ્યારે ઘાયલોને 2-2 લાખ રૂપિયા મળ્યા હતા.હાઈકોર્ટે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના સભ્ય સચિવને પણ આદેશ આપ્યો હતો કે પીડિતોની યોગ્ય ચકાસણી કર્યા પછી ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી અને સંબંધિત સરકારી અધિકારીઓ સાથે સંકલન કરીને વળતરની ચુકવણીની ખાતરી કરે.