સ્થાનિક લોકોએ કચરાના ગંજ દૂર કરવા નગરપાલિકાને રજુઆત કરી મોરબી : મોરબીના પોશ વિસ્તાર આલાપ રોડ ઉપર કચરા ગંજનું ગ્રહણ લાગ્યું છે. જેમાં આલાપ રોડ ઉપર કચરાના ગંજ ખડકાતા લોકો ત્રસ્ત થઈ ગયા છે. આથી સ્થાનિક લોકોએ કચરાના ગંજ દૂર કરવા નગરપાલિકાને રજુઆત કરી છે. મોરબીના આલાપ રોડ ઉપર આવેલ શિવ શક્તિ પાર્ક સોસાયટીના રહીશોએ મોરબી નગરપાલિકાને રજુઆત કરી હતી કે, વોર્ડ નંબર 13માં આવેલ આલાપ રોડ પૂરો થતાં વજેપર ગામની શરૂઆતમાં નાલા પાસે ગંદકીએ ભારે જમાવડો કર્યો છે. ખાસ કરીને નાલા પાસે કચરાના ગંજ ખડકાયેલા હોય એમાં પાણી ભળતા બેસુમાર ગંદકી ફેલાય રહી છે. નાલાની આજુબાજુ કચરાનું પ્રમાણ એટલી હદે વધી રહ્યું છે કે કચરાના ગંજને કારણે અહીંથી નીકળવું મુશ્કેલ બન્યું છે. અહીં નિયમિત સફાઈ થતી ન હોવાથી કચરાના ઢગલા વધી ગયા હોવાથી ગંદકીને કારણે આજુબાજુના લોકો ત્રસ્ત થઈ ગયા છે અને ગંદકીને કારણે રોગચાળાનું જોખમ ઉભું થયું હોય વહેલીતકે આ સમસ્યા હલ કરવાની માંગ કરી છે.