વાવડી રોડ ઉપર ચાર શખ્સો ધારીયા તલવાર લઈને તૂટી પડયા મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર અગાઉ વોટ્સએપમાં મેસેજ કરવા મામલે ઝઘડો થયા બાદ સમાધાન થઈ ગયું હોવા છતાં ચાર શખ્સોએ સમુહલગ્નમાંથી પરત ફરી રહેલા બે યુવાનો ઉપર ધારીયા - તલવારથી જીવલેણ હુમલો કરતા એક યુવાનની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વિશિપરામા રહેતા હુસેનભાઈ આલમભાઈ સામતાણી અને તેમના મિત્ર અસરફભાઈ સાઉદીનભાઈ જેડા સમુહલગ્નમાથી પરત આવતા હતા ત્યારે વાવડી રોડ ઉપર ગેબનશા પીરની દરગાહ પાસે આરોપી એજાજ ઉર્ફે બાબુ સંધી, વિપુલ ગઢવી, સલીમભાઈ રાઉમા અને બશીર ફકીર નામના શખ્સોએ પૂર્વયોજિત કાવતરું રચી તલવાર તેમજ ધારીયા વડે હુમલો કરતા અસરફભાઈને માથમાં ગંભીર ઇજાઓ પહોચતા પ્રથમ મોરબી બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વધુમાં ફરિયાદી હુસેનભાઈએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ આરોપીઓ સાથે વોટ્સએપમાં મેસેજ મામલે ઝઘડો થયો હતો પરંતુ બાદમાં સમાધાન થઈ ગયું હોવા છતાં આરોપીઓએ એકસંપ કરી હુમલો કરી બન્નેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે સિટી એ ડિવિઝન પોલીસ ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.