અગાઉ શેરીમાં ગાળો બોલવાની ના પાડતા અરોપીઓએ મોરબી સર્કિટ હાઉસ નજીક આંતરી કર્યો હુમલો મોરબી : મોરબીના વિદ્યુતનગરમા રહેતા જીઆરડી જવાને અગાઉ ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા આ બાબતનો ખાર રાખી બે શખ્સોએ સર્કિટ હાઉસ નજીક આંતરી તને બહુ હવા આવી ગઈ છે કહી જીઆરડી જવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વિદ્યુતનગરમા રહેતા અને જીઆરડીમાં નોકરી કરતા યોગેન્દ્રસિંહ હરદેવસિંહ જાડેજાના ઘર પાસે આરોપી યુવરાજસિંહ વિક્રમસિંહ ગોહિલ એકાદ મહિના ગાળો બોલતો હોવાથી યોગેન્દ્રસિંહે ગાળો નહિ બોલવા કહ્યું હતું. જે બાબતનો ખાર રાખી ગતરાત્રીના જીઆરડી જવાન નાદુરસ્ત તબિયતને કારણે નાઈટની નોકરી અધૂરી મૂકી ઘર તરફ આવતો હતો ત્યારે સર્કિટ હાઉસ નજીક આરોપી યુવરાજસિંહ અને તેના એક મિત્રએ ઉભો રખાવ્યો હતો. બાદમાં આરોપી યુવરાજસિંહ અને તેની સાથે રહેલા અજાણ્યા શખ્સે યોગેન્દ્રસિંહને કહ્યું હતું કે, તને બહુ હવા આવી ગઈ છે ? કહી ગાળો આપી છરીના ઘા ઝીકી ઇજાઓ પહોંચાડતા યોગેન્દ્રસિંહને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે યુવરાજસિંહ ગોહિલ અને એક અજાણ્યા વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.