બપોરે ધો.12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શરૂ થશે મોરબી : મોરબી જિલ્લામાં આજથી કારકિર્દી માટે મહત્વની ગણાતી ધો 10ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ધો.10નું પ્રથમ પેપર આપવા આવેલા વિધાર્થીઓનું કુમકુમ તિલક અને મો મીઠા કરીને પરીક્ષા સ્થળોએ અધિકારીઓ સહિતનાએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. જ્યારે બપોરે ધો.12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શરૂ થશે. મોરબી જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષા શરૂ થવાની સાથે ધો.10માં 10 પરીક્ષા કેન્દ્રોની 46 બિલ્ડીંગમાં 13947 વિદ્યાર્થીઓ અને ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 3 કેન્દ્રોની 8 બિલ્ડીંગમાં 1731 વિદ્યાર્થીઓ અને ધો.12 સામાન્ય પ્રવાહમાં 5 કેન્દ્રોની 28 બિલ્ડીંગમાં 7909 વિદ્યાર્થીઓ મળી કુલ ધો.10, 12માં 23587 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા સજ્જ બન્યા છે.બોર્ડની પરીક્ષાનું રિસીવિંગ અને ડિસપેચ સેન્ટર મોરબીની બોયઝ હાઈસ્કૂલ ખાતે બોર્ડની પરીક્ષાના તમામ સિલબંધ કવરમાં પેપરો આવી ગયા બાદ સ્ટ્રોંગ રૂમમાં રખાયા હોય આજે પરીક્ષા શરૂ થતાં અધિકારીઓ અને પોલીસની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલીને પેપર લીક ન થાય તે માટે તમામ તકેદારી રાખી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી પોલીસની હાજરીમાં જ સીલબંધ કવરોમાં પેપરો વાહન મારફત જે તે પરીક્ષા કેન્દ્રોમાં મોકલાવની વ્યવસ્થા કરવામાં આવી છે. ધો. 10ની પરીક્ષાનું પ્રથમ પેપર આજે શરૂ થનાર હોવાથી દરેક પરીક્ષા કેન્દ્રો પર નિર્ધારિત સમયે વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા હતા અને પરીક્ષા સ્થળ પર કુમકુમ તિલક તેમજ મો મીઠા કરાવીને અધિકારીઓ સહિતનાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે અને પરીક્ષા સ્થળો ઉપર પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જો કે પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે રાજ્યની સ્ક્વોડ ઉપરાંત જિલ્લાની અધિકારીઓની ટિમો પણ સુપરવિઝન કરશે. આ વિધાર્થીઓની સાથે 49 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપવા ઉત્સુક બન્યા છે.