H3N2 ઈન્ફ્લુએન્ઝા વાઇરસ કોવિડની જેમ ડ્રોપલેટ્સથી ફેલાતો હોય તકેદારી જરૂરી મોરબી : કોરોના મહામારીએ માંડ પીછો છોડ્યો છે તેવામાં હાલમાં H3N2 વાઇરસ સમગ્ર રાજ્યમાં અને દેશમાં પોતાનો સિકંજો કસી રહ્યો છે, જો કે, H3N2 વાઇરસ એ કોરોના નથી આમ છતાં H3N2 ઈન્ફ્લુએન્ઝા વાઇરસ કોવિડની જેમ ડ્રોપલેટ્સથી ફેલાતો હોય તકેદારી રાખવી જરૂરી હોવાનું આરોગ્ય વિભાગ જણાવી રહ્યો છે. લોકોમાં વર્તમાન સમયમાં ચેપ મોટાભાગે H3N2 ઈન્ફ્લુએન્ઝા વાઇરસનો છે, આ વાયરસ કોરોના નથી, H3N2 વાઇરસને કારણે સિઝનલ તાવ અને ઉધરસ સામાન્ય રીતે લગભગ પાંચથી સાત દિવસ સુધી રહે છે. આ ઈન્ફ્લુએન્ઝા વાઇરસ કોવિડની જેમ ડ્રોપલેટ્સથી ફેલાય છે. જેથી લોકોએ ફક્ત સાવચેત રહેવાની જરૂર છે. અને તમામ વાઇરલ તાવમાં લગભગ સમાન લક્ષણો હોય છે. આરોગ્ય વિભાગના મતે H3N2 વાઇરસના ચેપને કારણે ઉધરસ અને દુખાવા જેવાં તેનાં લક્ષણો ત્રણ અઠવાડિયા સુધી ટકી શકે છે, વહેતું નાક, હળવી ઉધરસ, તાવ, શરીરમાં દુખાવો અને માથાનો દુખાવો પણ આ ચેપના મુખ્ય લક્ષણ હોઈ શકે છે. મહત્વની બાબત એ છે કે, H3N2 વાઇરસ હજુ પણ હવામાં હાજર છે, પરંતુ તે કોરોનાનો પ્રકાર નથી. ફ્લુના વાઇરસમાં વધારો થવાને કારણે પરીક્ષણમાં વધારો થયો હોવાનું પણ આરોગ્ય વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે.