શક્તિ ચેમ્બર પાસે હાઇવે પર ખડકાયેલ માટીનો ઢગલો તો તંત્રએ હટાવ્યો, પણ સફાઈ ન કરતા ધૂળનું સામ્રાજ્ય : વાહનચાલકો પરેશાન મોરબી : શક્તિ ચેમ્બર પાસે હાઇવે પર ખડકાયેલ માટીનો ઢગલો હટાવવાનું કામ તંત્રએ કર્યું તો ખરા, પણ વેઠ ઉતારીને કર્યું હોય તેમ ત્યાં સફાઈ ન કરવામાં આવતા ધૂળની ડમરીનું સામ્રાજ્ય ફેલાયું છે. જેને કારણે વાહનચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે. મોરબી હાઇવે ઉપર માતેલા સાંઢની માફક દોડતા નંબર વગરના કાળમુખા ઓવરલોડ ડમ્પર ચાલકો બેફામ બની મન પડે ત્યાં માટીના ઢગલા ખડકી રહ્યા છે. જેમાં નેશનલ હાઇવે પર શક્તિ ચેમ્બર પાસે ખડકાયેલ માટીના ઢગલા ત્રણ દિવસથી એમનમ પડ્યા હતા. જો કે અંતે હાઇવે ઉપર કરોડોનો ટોલ ટેક્સ વસૂલતી હાઇવે ઓથોરિટીએ માટીના ઢગલા હટાવવાનું કામ તો કર્યું હતું. પણ ધરાર કામ કરાતું હોય તેમ વેઠ પણ ઉતારી છે. તંત્રએ માત્ર ત્યાંથી માટીના ઢગલા જ હટાવ્યા છે. સફાઈ કરવામાં આવી ન હોય હજુ પણ રોડ ઉપર ધુળની ડમરી ઉડી રહી છે. વાહનચાલકો અહીંથી નીકળે એટલે વિઝિબલિટી જ ચાલી જાય તેવું ધૂળની ડમરીનું સામ્રાજ્ય ફેલાયું છે.