હુમલાખોરોએ એક્ટિવામાં તોડફોડ કરી પતાવી દેવાની ધમકી આપી મોરબી : મોરબીના રવાપર ગામમાં ત્રણ મહિના પહેલા રૂ.100 ઉછીના આપવાની ના પાડનાર દીકરાની માતા અને બહેન ઉપર ચાર શખ્સોએ હુમલો કરી એક્ટિવામાં તોડફોડ કરી પુત્રને પતાવી દેવાની ધમકી આપતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર ગામે હિરલ પોઇન્ટની બાજુમાં રહેતા હંસાબેન મેઘજીભાઈ ચાવડાએ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ત્રણેક મહિના પહેલા તેમના પુત્ર રાહુલ પાસે આરોપી દિનેશ ગોવિંદ સાગઠિયાએ રૂ.100 ઉછીના માંગતા રાહુલે ઉછીના પૈસા ન આપતા આ બાબતનો ખાર રાખી ગઈકાલે હંસાબેન સાથે આરોપી દિનેશ ગોવિંદ સાગઠિયા, મહેશ ગોવિંદ સાગઠિયા, કિશોર ગોવિંદ સાગઠિયા અને દિનેશના જમાઈ પારસ ઉર્ફે સુલતાને ઝઘડો કરી હંસાબેનની દીકરીના એક્ટિવામાં તોડફોડ કરી, ઢીકા પાટુનો માર મારી હંસાબેનના દીકરાને જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે હંસાબેનની ફરિયાદને આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.