વાંકાનેર : શનિવારે મધ્યરાત્રીના વાંકાનેર તાલુકાના કોઠી ગામે 108ની ટીમ દ્વારા વાડી વિસ્તારમાં પ્રસુતા મહિલાની સફળ પ્રસુતિ કરાવવામાં આવી હતી. શનિવારે મધ્યરાત્રીએ 2 વાગ્યાની આસપાસ કોઠી ગામે વાડી વિસ્તારમાં રહેતા કાળીબેન નામની મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા વાડી માલિકે વાંકાનેર 108 ને ફોન કરીને જાણ કરી હતી. જાણ થતા જ વાંકાનેર 108 ની ટીમના EMT દિનેશભાઈ ગઢાદ્રા અને પાયલોટ રાજદીપસિંહ તાત્કાલિક કોઠી ગામે પહોંચ્યા હતા. જ્યાં મહિલાને પ્રસુતિની પીડા વધારે હોવાની જાણ થતાં જ તાત્કાલિક ERCP અમદાવાદના ડોક્ટરની સૂચના અને માર્ગદર્શન મુજબ વાડીમાં જ પ્રસુતિ કરાવવામાં આવી હતી. જેમાં મહિલાએ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. બંને બાળકો અને માતાને વાંકાનેર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં બાળકો અને માતાની તબિયત સારી છે. આ સફળ પ્રસુતિ બદલ સરકારી હોસ્પિટલના સ્ટાફે 108ની ટીમની કામગીરીની પ્રસંશા કરી હતી.