રિલાયન્સ ગ્રુપે 50 વર્ષ જૂની દેશી બ્રાન્ડને ફરી જીવિત કરી, પ્રથમ તબક્કે કેમ્પા કોલા, કેમ્પા લેમન અને કેમ્પા ઓરેન્જ લોન્ચ મોરબી : એક સમયે કોલા સેગમેન્ટમાં દેશભરમાં લોકપ્રિય બનેલી કેમ્પા કોલા સમય જતા ખોવાઈ ગઈ હતી, વર્ષો સુધી મૃતપ્રાય રહેલી કંપનીને મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ટેકઓવર કરી લીધી છે. રિલાયન્સએ ફરીથી ભારતીય બજારમાં કેમ્પા બ્રાન્ડને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. જે અન્વયે કેમ્પા કોલા, કેમ્પા લેમન અને કેમ્પા ઓરેન્જ એમ ત્રણ ડ્રિંક્સ બજારમાં ઉતારાશે. રિલાયન્સ ગ્રુપના જણાવ્યા મુજબ, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની રિલાયન્સ કન્ઝુમર પ્રોડક્ટ્સ લિમિટેડ દ્વારા કેમ્પાને ફરીથી બજારમાં ઉતારવાની જાહેરાત કરી છે. કેમ્પા પોર્ટફોલિયો અંતર્ગત શરૂઆતમાં કેમ્પા કોલા, કેમ્પા લેમન અને કેમ્પા ઓરેન્જને ઉતારાઈ છે. આ બ્રાન્ડનું લોન્ચિંગ સ્થાનિક ભારતીય બ્રાન્ડોને પ્રોત્સાહન આપવાની રણનીતિને અનુરૂપ છે.લોન્ચ પર બોલતા આસીપીએલના પ્રવક્તાએ કહ્યું કે, 'કેમ્પાને તેના નવા અવતારમાં રજૂ કરી, અમે આશા રાખીએ છીએ કે, પેઢી દર પેઢીના ગ્રાહકોને આ પ્રતિષ્ઠિત બ્રાન્ડને અપનાવવા માટે પ્રેરિત કરીશું અને બેવરેજ સેગમેન્ટમાં એક નવો ઉત્સાહ ઊભો કરશે. ધ ગ્રેટ ઈન્ડિયન ટેસ્ટના કેમ્પા રેન્જ અંતર્ગત પાંચ પેક સાઈઝ રજૂ કરવામાં આવી છે જેમાં 200 એમએલ, 500 એમએલ,600 એમએલનું ઓન-ધ-ગો શેરિંગ પેક ઉપરાંત એક લિટર અને બે લિટરનું હોમ પેક પણ બજારમાં ઉતારાયું છે. ઉલ્લેખનીય છે કે,1977 પછી લગભગ 15 વર્ષો સુધી કેમ્પા કોલા લોકોની સૌથી પસંદગીની ડ્રિંક હતી. એ સમયે દેશભરમાં કેમ્પાના લગભગ 50 બોટલિંગ પ્લાન્ટ હતા પરંતુ સમય જતા ધીરે-ધીરે કેમ્પના પ્લાન્ટ બંધ થઈ ગયા હતા પરંતુ હવે કેમ્પાને રિલાયન્સે ખરીદી લેતા ફરી કેમ્પા બ્રાન્ડ મેદાનમાં આવી છે.