રવિ સીઝનમાં ઘઉં, રાયડો, ચણા અને કપાસની પણ સારી એવી આવક મોરબી : મોરબી પંથકમાં હાલ ઉનાળુ પાકની તૈયારી ચાલી રહી હોય ત્યારે શિયાળુ પાકના ઉતારા થઈ જતા મોટી સંખ્યામાં ખેડૂતો વિવિધ જણસીઓ લઈને મોરબીના માર્કેટીંગ યાર્ડમાં વેચવા આવી રહ્યા હોય ત્યારે ખાસ જીરુંના મબલખ પાકથી મોરબીનું માર્કેટીંગ યાર્ડ છલોછલ ભરાય ગયું છે. જીરુંના પાકની ધરખમ આવક થતા યાર્ડમાં જીરુંના મોટા મોટા ઢગલા ખડકાયા છે. જો કે, શિયાળુ સીઝનમાં ઘઉં, રાયડો, ચણા અને કપાસની પણ સારી એવી આવક થઈ છે. મોરબીના માર્કેટીંગ યાર્ડમાં હાલ જીરુંની સૌથી વધુ આવક થઈ છે. માર્કેટીંગ યાર્ડમાં જીરુંનો પાક એટલી હદે ઠાલવાયો છે કે બીજી જણસીઓ માટે જગ્યા ટૂંકી પડે એમ છે. યાર્ડમાં જીરુંનો પાક ઢગલા મોઢે ઠલવાયો છે. મોરબીના માર્કેટીંગ યાર્ડમાં સૌથી આજે વધુ 1621 કવીંટલ જીરૂની આવક થઈ હતી. જ્યારે કપાસની 567 કવીંટલ, ઘઉંની 337 કવીંટલ, રાયડો 581 કવીંટલ, ચણાની 382 કવીંટલ, એરંડાની 118 કવીંટલ આવક થઈ હતી. જ્યારે જીરુંના મણ દીઠ રૂ.3450થી 5500, કપાસના રૂ.1500 થી 1634, ઘઉંના રૂ. 455 થી 551 અને રાયડોના રૂ.892 થી રૂ.972ના સારા ભાવ મળતા ખેડૂતો પણ રાજી થઈ ગયા હતા. એકંદરે હમણાથી શિયાળુ પાકના જણસીઓની ધરખમ આવક થઈ હતી.