આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાતની 181 અભયમ મહિલા હેલ્પલાઇને 8 વર્ષ પૂર્ણ કર્યા મોરબી : આવતીકાલે આંતરાષ્ટ્રીય મહિલા દિવસ છે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે અભયમ 181 સુવિધા શરૂ કરી છે જેને 8 વર્ષ પુર્ણ થયા છે ત્યારે વીતેલા આઠ વર્ષમાં અભયમ 181 દ્વારા મોરબી જિલ્લામાં કુલ 19374 મહિલાઓને મદદ પૂરી પાડવામાં આવી છે. ગુજરાત સરકાના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને જીવીકેએ સંકલિત રીતે વર્ષ 2015ની 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસથી રાજ્યવ્યાપી 181 અભયમ્ મહિલા હેલ્પલાઇનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે 2023માં આ અભયમ્ મહિલા હેલ્પલાઇનને 8 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 8 વર્ષની કામગીરી દરમિયાન 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન દ્રારા મોરબી જિલ્લામાં કુલ 19374 જેટલા મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ-સુચન, માર્ગદર્શન અને બચાવની મદદ પૂરી પાડી છે. તેમજ તાકીદની પરિસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર 181 અભયમ્ રેસ્ક્યુ વાન સાથે કાઉન્સિલર સહીતની ટીમ જઈને 4552 મહિલાઓને મદદ પૂરી પાડી છે. વર્ષ 2022 માં મોરબી અભયમ્ હેલ્પલાઇન દ્વારા 669 પીડિત મહિલાઓને ઘટના સ્થળ પર જ મદદ પહોંચાડવામાં આવી હતી જેમાંથી 423 કિસ્સાઓમાં કુશળ કાઉન્સિલિંગ દ્રારા સ્થળ પર જ સમાધાનકારી નિરાકરણ લાવવામાં આવ્યું હતું. અન્ય 242 જેટલા કિસ્સાઓમાં પીડિતાની ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડીત મહિલાઓને આગળની કાર્યવાહી માટે પોલિસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર વગેરે મહિલાલક્ષી સંસ્થાઓ સુધી લઇ જઈ આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.