રાત્રીના સમયે ટ્રક ચાલકે એક્ટિવાને પાછળથી ઠોકર મારતા અકસ્માત સર્જાયો મોરબી : મોરબીના પીપળી રોડ ઉપર એક્ટિવા લઈને જઈ રહેલા બે નેપાળી યુવાનોને ટ્રક ચાલકે પાછળથી ઠોકર મારી પછાડી દઈ અકસ્માત સર્જતાં એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે બીજાને ઇજા પહોંચી હતી, અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી ગયો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી જેતપર રોડ ઉપર પીપળી નજીક નયારા પેટ્રોલપંપ પાસે ઇંડાની લારીમાં કામ કરતો પદમ બોલે બહાદુર અને હરક પ્રેમભાઈ સોની ગત તા.4ના રોજ રાત્રે અગિયારેક વાગ્યાના સુમારે એક્ટિવા લઈને જતા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે પાછળથી ઠોકર મારતા હરક સોની નામના નેપાળી યુવકનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે પદમને હાથ અને પગમાં ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક નાસી જતા અકસ્માત અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.