એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે રેડ કરીને વિદેશી દારૂ, બિયર, કાર, રીક્ષા મળી કુલ રૂ.4.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી લાતીપ્લોટમાંથી રૂ. 1.55 લાખના દારૂ-બિયર સાથે એક આરોપીને ઝડપી લીધો હતો.જ્યારે કાર ચાલક નાસી છૂટ્યો હતો. બાદમાં એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂ, બિયર, કાર, રીક્ષા મળી કુલ રૂ.4.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી. મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફ આજે વહેલી સવારે પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના લાતીપ્લોટ મેઈન રોડ પંચાસર રોડના નાકે ગલીમાં સીએનજી રીક્ષા અને સ્વીફ્ટ ડિઝાયર કારમાં વિદેશી દારૂ બિયરની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા એ ડિવિઝન પોલીસે તુરંત ત્યાં દરોડો પડી ઈંગ્લીશ દારૂ બિયરની હેરાફેરી કરતા આરોપી વરીશઅલી સલમાનઅલી બુખારી (ઉ.વ.22, રહે મોરબી વીસીપરા, કુલીનગર-1)ને સીએનજી રીક્ષા અને સ્વીફ્ટ ડિઝાયર કારમાંથી રૂ.1,55,400ની કિંમતની 396 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ, 48 બિયરના ટીન તેમજ કાર અને રીક્ષા તથા 1 મોબાઈલ મળી કુલ રૂ.4,50,400 નો મુદામાલ સાથે ઝડપી લીધો હતો.જયારે જી.જે.09 બી.બી.4476 નંબરની સ્વીફ્ટ ડિઝાયરનો ચાલક નાસી છૂટતા પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.