મોરબી : વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (UGC) અંતર્ગત એડોપશન ઓફ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બાય યુનિવર્સીટી એન્ડ કૉલેજસ પ્રોગ્રામની રૂપરેખા હેઠળ મોરબીની આર. ઓ. પટેલ મહિલા કોલેજ દ્વારા એક દિવસીય શૈક્ષિણક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોમર્સ વિભાગની પ્રથમ વર્ષની વિદ્યાર્થિનીઓએ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના નડાબેટ (સીમા દર્શન)ની મુલાકાત લીધી હતી. પ્રવાસ દરમિયાન નડાબેટ ખાતે કચ્છના વિશાળ રણપ્રદેશની અંદર નડાબેટ કોમ્પ્લેક્સ થી 25 કિલોમીટર દૂર ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ઝીરો પોઈન્ટની મુલાકાત લીધી હતી. તદુપરાંત ત્યાંના બી.એસ.એફ. જવાનો સાથે સરહદ વિશે વાર્તાલાપ પણ કર્યો હતો. હાઈ-વોચ ટાવર ઉપરથી વિદ્યાર્થિનીઓએ ઝીરો લાઈન, ભારતનો વિશાળ રણ પ્રદેશ, પાકિસ્તાનનો વિશાળ પ્રદેશ તથા વિશાળ સફેદ રણપ્રદેશ પણ નિહાળ્યું હતું. વિધાર્થિનીઓએ બપોરના સમયે વન ભોજનનો લાભ પણ નડેશ્વરી માતાજી મંદિરના વિશાળ પટાંગણમાં લીધો હતો. બપોર બાદ નડાબેટ કોમ્પ્લેક્સ ખાતે અજેય પ્રહરી સ્મારક, સરહદ ગાથા મ્યુઝિયમ, આર્ટ ગેલેરી નામ નમક નિશાન, મિગ 27 ફાઈટર પ્લેન, બી.એસ.એફ.ની 1971 ઓરીજનલ શોર્ટ ફિલ્મ વગેરે નિહાળીને મંત્રમુગ્ધ થઈ ગયા હતા તદુપરાંત બી.એસ.એફ. ના જવાનો ડ્યુટી દરમિયાન શહીદ થયેલા હોય અને તેમને મેળવેલા જુદા જુદા મેડલો વિશેની ઊંડાણપૂર્વકની માહિતી મેળવી હતી. નડાબેટ કોમ્પ્લેક્સ ખાતે સાંજે 05:30 થી 06:15 સુધી બી.એસ.એફ. ના જવાનો દ્વારા ભવ્ય રિટ્રીટ પરેડ સેરેમની (અટારી વાઘા બોર્ડર જેવી જ) કરવામાં આવી હતી. રિટ્રીટ પરેડમાં બી.એસ.એફ. જવાનનો જુસ્સો અને જોશ જોઈને સૌ કોઈ વિદ્યાર્થિનીઓ અચંબિત થઈ ગઈ હતી. છેલ્લે રિટ્રીટ પરેડ સેરેમનીમાં સામેલ થયેલા તમામ બી.એસ.એફ. ના જવાનોએ વિદ્યાર્થિનીઓ સાથે ફોટો સેશન પણ રાખવામાં આવ્યું હતું. પ્રવાસના સુચારું આયોજન માટે કોમર્સ વિદ્યાશાખાના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ મયુર હાલપરા તથા સ્ટાફ ગણમાં કેતનભાઇ બકરાણીયા, રેખા મેમ, દ્રષ્ટિ મેમ અને બંસરી મેમએ ભારે જહેમત ઉઠાવી એક દિવસીય શૈક્ષણિક પ્રવાસને સફળ બનાવ્યો હતો.