ઘોડાદ્રોઈ નદી કાંઠા વિસ્તારમાં રેતીચોરી કરતા તત્વો વિરુદ્ધ કાર્યવાહી મોરબી : મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતમાફિયાઓ વિરુદ્ધ ઝુંબેશ શરુ કરી મોરબી તાલુકાના રાપર ગામે ઘોડાદ્રોઈ નદી કાંઠા વિસ્તારમાં સપાટો બોલાવી રેતી કાઢવામાં ઉપયોગમાં લેવાતું રૂપિયા 15 લાખની કિંમતનું એસકેવેટર મશીન જપ્ત કરી દંડનીય કાર્યવાહી કરવાની સાથે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. મોરબી પંથકમાં બેફામપણે ચાલી રહેલી રેતીની ખનીજચોરી મામલે મોરબી ખાણ ખનીજ વિભાગના સ્ટાફ દ્વારા મોરબી તાલુકાના રાપર ગામે ઘોડાદ્રોઈ નદીકાંઠા વિસ્તારમાંથી રેતીચોરીનો કારસો ઝડપી લઈ વિપુલ શાંતિલાલ નિમાવતના કબ્જામાંથી રૂા.15 લાખની કિંમતનું એસ્કેવેટર મશીન કબ્જે કરી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યું હતું. વધુમાં રાપર ગામે રેતીચોરી મામલે ખાણખનીજ વિભાગના માઇન સુપરવાઇઝર મિતેષ ગોજીયા દ્વારા ફરિયાદ નોંધાવવાની સાથે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હોવાનું ખાણખનીજ વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે.